તાપી જિલ્લા વહીવટી તંત્રએ સ્વ. આરએફઓ વિકાસ દેસાઈને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
માહિતી બ્યુરો, તાપી

માહિતી બ્યુરો, તાપી તા. ૨૦ :-તાપીના ઉકાઈ તાપ્તી રેન્જમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈનું ફરજ દરમિયાન દુઃખદ અકસ્માતમાં નિધન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ રાત્રિના સમયે લાકડા ભરી જઈ રહેલી કારનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન સોનગઢ ચેકપોસ્ટ નજીક ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાઈ, જેના પાછળ આવી રહેલી RFOની ખાનગી કાર પણ અકસ્માતનો ભોગ બની હતી. વ્યારા વન વિભાગ હેઠળ તાપી રેન્જમાં પરીક્ષેત્ર વન અધિકારી (RFO) સ્વ. વિકાસ દેસાઈ ફરજ દરમિયાન વીરગતિ પામતા સમગ્ર તાપી જિલ્લા તંત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઉપસ્થિત રહી સ્વ. વિકાસ દેસાઈની નિષ્ઠાપૂર્વકની સેવાઓને યાદ કરી તેમના પ્રત્યે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને પ્રાર્થના કરી હતી.




