
210 ટીમોની ભાગીદારી, યુવાનોમાં ખેલભાવના અને એકતા વધારવાનો હેતુ
માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે વિલેજ ડે–નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ દ્વારા કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં કુલ 210 ટીમો ભાગ લઈ રહી છે, જેનાથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા તથા જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડે ટુર્નામેન્ટના આયોજક કુંવરજીભાઈ હળપતિને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ગુજરાત પ્રદેશના સંયોજક જગદીશભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આવા ટુર્નામેન્ટો યુવાનોમાં સુષુપ્ત પડેલી ખેલભાવનાને જાગૃત કરે છે, ભાઈચારાની ભાવના અને એકતાને મજબૂત બનાવે છે તથા રાષ્ટ્રભાવનાને ઉજાગર કરે છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં ખેલ કુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને યુવાનોમાં ખેલ સંસ્કૃતિ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવામાં આવી રહી છે.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, મંત્રી આશિષભાઈ ઉપાધ્યાય, મઢી સુગરના ચેરમેન સમીરભાઈ ભક્ત, ફેડરેશનના ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, સુગરના ડિરેક્ટરો સુરજભાઈ વસાવા, નિમેષભાઈ શાહ, પ્રિતેશભાઈ રાવળ, અનિલભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




