નવસારીમાં પૂર બાદ કુદરતી કાંસ અને જળપ્રવાહ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ
માહિતી બ્યુરો અને યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ પ્રિતેશ પટેલ નવસારી

પૂરના કારણોનું વિશ્લેષણ કરી કુદરતી જળપ્રવાહને અવરોધતા દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી
જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નિરાલી હોસ્પિટલના પ્રવેશદ્વાર સહિત કુદરતી કાંસ પરના પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ :
ભવિષ્યમાં પૂરનું જોખમ ઘટાડવા નવસારી વહીવટી તંત્રનું મેગા ડિમોલિશન અભિયાન:
નવસારી : સોમવાર : નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરપ્રવાહ અને વરસાદી પાણીના નિકાલ અંગે સઘન સમીક્ષા હાથ ધરવામાં આવી છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણોનું વિશ્લેષણ કરતાં કુદરતી કાંસ, ડ્રેનેજ ખાડી અને જળપ્રવાહના માર્ગો પર થયેલા ગેરકાયદે દબાણો તથા પાકા બાંધકામો પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ હોવાનું સામે આવ્યું છે. આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની દ્વારા નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે ડિમોલિશનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને કુદરતી જળપ્રવાહના માર્ગો ખુલ્લા કરવા ઝડપી અને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. નવસારી પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અભિયાનના ભાગરૂપે નેશનલ હાઈવે-48 નજીક આવેલી નિરાલી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક કુદરતી કાંસ પર થયેલા પાકા બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર તથા બહારના ભાગમાં કરવામાં આવેલા પાકા દબાણોને જેસીબી અને બુલડોઝરની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. સ્થળ પરથી કુદરતી કાંસ પસાર થતો હોવાથી બાંધકામના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો થતો હતો. સ્થળ તપાસ અને લાગુ સરકારી માપદંડો મુજબ જરૂરી કાર્યવાહી બાદ આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત નેશનલ હાઈવે-48ના મધ્યથી 40 મીટરના દાયરામાં તેમજ ડ્રેનેજ ખાડી અથવા કુદરતી કાંસથી 9 મીટરની અંદરના વિસ્તારમાં આવેલા ગેરકાયદે પાકા બાંધકામો અને દબાણો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેસીબી અને બુલડોઝરની મદદથી દબાણો દૂર કરી કુદરતી કાંસ અને જળપ્રવાહના માર્ગોને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે.
તાજેતરના વિનાશક પૂરના કારણે નવસારી જિલ્લામાં અંદાજે 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા અને જનજીવન પર વ્યાપક અસર પડી હતી. ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય અને વરસાદી પાણીનો ઝડપી તથા કુદરતી રીતે નિકાલ થઈ શકે તે માટે તંત્ર દ્વારા લાંબા ગાળાના આયોજન સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ આયોજન અંતર્ગત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુદરતી કાંસ, વરસાદી પાણીના નિકાલના માર્ગો, ડ્રેનેજ ખાડીઓ અને જળપ્રવાહના માર્ગોનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. સર્વે દરમિયાન ઓળખાયેલા ગેરકાયદે દબાણો સામે નિયમોનુસાર નોટિસ અને જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કુદરતી જળપ્રવાહના માર્ગો ખુલ્લા રહે અને આગામી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે દબાણો સામેની કાર્યવાહી નિયમોનુસાર અને સતત ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને પણ કુદરતી કાંસ, ડ્રેનેજ માર્ગો અને વરસાદી પાણીના વહેણના માર્ગો પર ગેરકાયદે બાંધકામ કે દબાણ ન કરવા તેમજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર સહિત સંબંધિત વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.




