આહવા સિવિલ હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટ મામલે ગંભીર સવાલો: રહેણાંક નજીક ખાડો ખોદી કચરો દાટ્યાના આક્ષેપથી ચકચાર
શિવાજી કવર (આહવા બ્યુરો)

ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તા. 27 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બાયોમેડિકલ વેસ્ટ ઉઠાવીને નજીકના રહેણાંક વિસ્તાર પાસે આવેલી જૂની ટી.બી. હોસ્પિટલના પરિસરમાં ખાડો ખોદી દાટવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ, બાયોમેડિકલ વેસ્ટ માટે ખાડો ખોદીને તેમાં કચરો નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને માટીથી ઢાંકી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જો આ બાબત સાચી હોય તો હોસ્પિટલમાંથી નીકળતા સંભવિત ચેપકારક અને જોખમી બાયોમેડિકલ કચરાના નિકાલ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.
રહેણાંક વિસ્તાર નજીક બાયોવેસ્ટનો નિકાલ કેમ?
સૌથી મોટો સવાલ એ છે કે રહેણાંક વિસ્તારની નજીક બાયોમેડિકલ વેસ્ટ દાટવાની મંજૂરી કયા નિયમો હેઠળ આપવામાં આવી? બાયોમેડિકલ કચરાના યોગ્ય વર્ગીકરણ, સંગ્રહ, પરિવહન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલની વ્યવસ્થા હોવા છતાં જો હોસ્પિટલ પરિસરમાં જ ખાડો ખોદીને આવો કચરો દાટવામાં આવ્યો હોય તો આ સમગ્ર પ્રક્રિયાની તપાસ થવી જરૂરી બની છે.
સ્થાનિકોમાં એવી પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે કે બાયોમેડિકલ વેસ્ટ જમીનમાં દાટવાથી વરસાદી પાણી, જમીન અને આસપાસના વાતાવરણ પર કોઈ પ્રતિકૂળ અસર તો નહીં થાય ને? ખાસ કરીને રહેણાંક વિસ્તાર નજીક આવી કામગીરી કરવામાં આવી હોય તો આસપાસના લોકોના આરોગ્ય અંગે પણ તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી છે.
હોસ્પિટલ તંત્રની જવાબદારી શું?
આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની જવાબદારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે હોસ્પિટલમાં કઈ વ્યવસ્થા છે? તા. 27 સપ્ટેમ્બરે કચરો કોણે ઉઠાવ્યો? જૂની ટી.બી. હોસ્પિટલના પરિસરમાં ખાડો ખોદવાની મંજૂરી કોણે આપી? કચરામાં કયા પ્રકારનો બાયોમેડિકલ વેસ્ટ હતો? અને તેનો નિકાલ કઈ મંજૂર પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યો?
આ તમામ સવાલોના જવાબ હોસ્પિટલ તંત્ર અને સંબંધિત આરોગ્ય વિભાગે જાહેર કરવા જોઈએ.
તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરે તેવી માંગ
આ મામલે માત્ર કાગળ પર જવાબ આપવાને બદલે સંબંધિત આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી, દાટવામાં આવેલા કચરાનો પ્રકાર અને નિકાલની પદ્ધતિની તપાસ કરવામાં આવે, તેવી માંગ ઉઠી રહી છે.
જો નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું તપાસમાં સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં બેદરકારી માટે કોઈપણ પ્રકારની ઢીલ સ્થાનિકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો અંગે આહવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને જિલ્લા આરોગ્ય તંત્ર શું સ્પષ્ટતા કરે છે અને સ્થળ તપાસ ક્યારે હાથ ધરે છે?




