ધરમપુરના ઐતિહાસિક મંદિરોના પ્રાચીન સોના-ચાંદીના આભૂષણો બેસતા વર્ષ અને જન્માષ્ટમીએ ભગવાનને શણગાર કરી જાહેર જનતા માટે ખુલ્લા મૂકવા માંગ: ડો.નિરવ ભુલાભાઇ પટેલ.
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ નવસારી/વલસાડ

ધરમપુર મામલતદાર વહીવટ હસ્તકના ૧૫૦ વર્ષ જૂના ઐતિહાસિક રાધાકૃષ્ણ મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર સહિતના અન્ય ૧૩ જેટલાં પ્રાચીન મંદિરોના ભગવાનના સોના-ચાંદીના કિંમતી આભૂષણો અને મુગટો આગામી નવા વર્ષ (બેસતા વર્ષ) અને જન્માષ્ટમી જેવા તહેવારો પર જાહેર જનતાના દર્શનાર્થે ખુલ્લા મૂકવા માટે ભાવિક ભક્તજનો વતી સામાજિક આગેવાન અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે ધરમપુર મામલતદાર તેમજ યાત્રાધામ સચિવ,વલસાડ કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર,ધરમપુરના સીસોદીયા વંશના રાજવંશ કલા અને ધર્મના ચાહકો હતા,તેમણે 13 જેટલાં સુંદર મંદિરો જેમાં મુખ્ય રાધાકૃષ્ણ મંદિર તેમજ કાશ્મીરી શૈલીમા બનાવેલ લક્ષ્મીનારાયણ મંદિરના સોના-ચાંદી,હીરા ઝવેરાતના આભૂષણો ભગવાનને અંગ આંગી કરી સામાન્ય જનતાના દર્શન માટે નવા વર્ષ અને જન્માષ્ટમી નિમિતે ખુલ્લા રાખવામાં આવતા જેના લીધે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટતી.પરંતુ છેલ્લા ઘણા સમયથી અગમ્ય કારણોસર આ ઘરેણાં ભગવાનને અંગ આંગી કરવા માટે બહાર લાવવામાં આવતા નથી કે પ્રજા માટે દર્શન ખુલ્લા રાખવામાં આવતા નથી, જેને લીધે સ્થાનિક નાગરિકો અને ભક્તોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો. નિરવ પટેલે જણાવ્યું છે કે, ધરમપુર તાલુકો પેસા એક્ટ હેઠળના અનુસૂચિ પાંચનો વિસ્તાર છે અને જસ્ટિસ લોકુર કમિટીની ભલામણ અનુસાર આદિવાસી વિસ્તારોમાં પ્રાચીન વારસો અને સંસ્કૃતિની જાળવણી કરવાની જવાબદારી સ્થાનિક પ્રશાસનની છે. આથી લોક-આસ્થા અને ઐતિહાસિક પરંપરાને ધ્યાને રાખીને, આગામી નૂતન વર્ષના તહેવારોમાં યોગ્ય પોલીસ સુરક્ષા અને CCTV કેમેરાની વ્યવસ્થા ગોઠવીને પણ આ આભૂષણો માત્ર થોડા કલાકો માટે ભક્તોના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પ્રશાસન પ્રજાની ધાર્મિક લાગણીઓને માન આપી વહેલી તકે સકારાત્મક નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




