નવસારી

ધરમપુર અને કપરાડા તાલુકાના ઘણા વિસ્તારોમાં ચોમાસું પૂરું થતાં જ પાણીની તંગી શરૂ, વિલ્સન હિલ પર વલસાડ ઉત્તર વન વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ.

યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ નવસારી/વલસાડ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા જગવિખ્યાત પ્રવાસી મથક વિલ્સન હિલ તેમજ સમગ્ર ધરમપુર અને કપરાડાના કેટલાક ડુંગરાળ વિસ્તારોમાં ચોમાસું પૂરું થતાં જ પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. શિયાળાની શરૂઆતમાં જ સર્જાયેલી આ ભયંકર અછત અને વહીવટી તંત્રની ઘોર અણઆવડત સામે સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગોને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.જેમા પ્રખ્યાત પ્રવાસન સ્થળ હોવા છતાં વિલ્સન હિલ પર અત્યારથી જ પીવાના પાણીની ભારે અછત છે.પાણીના અભાવે લાખોના ખર્ચે બનેલા શૌચાલય-બાથરૂમ બંધ હાલતમાં છે, જેના કારણે મહિલા પ્રવાસીઓને ભારે શરમજનક સ્થિતિ અને અસહ્ય તકલીફોનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે તેમજ વન વિભાગ વલસાડ ઉત્તર દ્વારા સ્થાનિક આદિવાસી રોજગારી માટે છેલ્લા ૫ વર્ષથી કરોડોના ખર્ચે ૧૪ દુકાનો બનાવવામાં આવી છે. પરંતુ વિવિધ બહાના હેઠળ આ દુકાનો આજદિન સુધી કોઈને ફાળવવામાં આવી નથી. ૫ વર્ષમાં આ દુકાનો માત્ર મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન ૫ દિવસ જ ખોલાઈ હતી, જે સરકારી મિલકતનો ઘોર દુરુપયોગ છે.તેમજ વિલ્સન હિલ પર કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું મોટું તળાવ તદ્દન બિનઆયોજિત અને ટેકનિકલ ખામીવાળું છે. તળિયે પાકું પ્લાસ્ટર ન હોવાથી ચોમાસાનું બધું પાણી ડુંગરમાં શોષાઈ જાય છે અને ચોમાસું પૂરું થતાં જ તળાવ ખાલીખમ થઈ ગયું છે. તેમજ ગાર્ડન અને વ્યુપોઈન્ટ પણ બિસ્માર અને ભયજનક હાલતમાં છે તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું લેખિત વચન અપાયું હતું, પરંતુ જમીની સ્તરે કોઈ કામગીરી દેખાતી નથી. એસ્ટોલ યોજના અને અન્ય પાણીના બજેટના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં સ્વાહા થયા હોવાનો આક્ષેપ કરાયો છે.તેમજ માંકડબન ગામના ભયજનક વણાંક પર વારંવાર જીવલેણ અકસ્માતો થવા છતાં તંત્ર દ્વારા ચેતવણી બોર્ડ પણ લગાવાયા નથી.આ ઉપરાંત નાયકપાડા ગામનો બિસ્માર રસ્તો,સ્મશાનભૂમિની માંગણી અને ત્યાં આવેલા અદ્ભુત ‘સંગીતમય પથ્થરો’ જે હમ્પીના વિજય વિઠ્ઠલ મંદિર જેવા સૂર રેલાવે છે તેને વિકસાવવામાં તંત્રની દીર્ઘદ્રષ્ટિનો ભારે અભાવ જોવા મળ્યો છે આથી વિલ્સન હિલ પર તાત્કાલિક ધોરણે પીવાના પાણીની અને શૌચાલયો ચાલુ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા થાય તેમજ વન વિભાગની બંધ ૧૪ દુકાનો સ્થાનિક બેરોજગારોને તુરંત ફાળવી રોજગારીની તકો ઊભી કરાય.તેમજ ખામીયુક્ત તળાવના નિર્માણ અંગે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ સમિતિ નીમી કડક પગલાં લેવાય તેમજ બિસ્માર રસ્તાઓ, વ્યુપોઈન્ટ અને માંકડબન ગામના ભયજનક વણાંક પર યોગ્ય કાર્યવાહી થાય તેમજ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પાણીની કામગીરી પૂર્ણ કરવા માટે ખાસ મોનિટરિંગ સેલની રચના થાય એવી માંગ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!