કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરના નિવેદન સામે ભાજપ પ્રમુખ સુરેશભાઈ ચૌધરીનો વળતો પ્રહાર
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ & (આહવા બ્યુરો) શિવાજી કવર

SIR, EVM અને મતદાર યાદીના મુદ્દે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા
ગણાવ્યા; 130 મતદારોનાં નામ રજૂ કરવાનો આપ્યો પડકાર.
ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલ દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા પ્રહારો બાદ કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે આપેલા નિવેદનના જવાબમાં ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા.
સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી કોઈ નવી પ્રક્રિયા નથી. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી. નરસિંહા રાવ અને ડૉ. મનમોહન સિંહના કાર્યકાળમાં પણ આશરે 12 વખત આવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃત્યુ પામેલા મતદારોનાં નામ દૂર કરવા તથા ડુપ્લિકેટ નોંધણીઓ રદ કરવી એ ચૂંટણી પંચની નિયમિત પ્રક્રિયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા 13 કરોડ મતદારોનાં નામ કમી કરાયાના પ્રચાર અંગે તેમણે સવાલ ઉઠાવી ડાંગ જિલ્લામાંથી ખોટી રીતે નામ કમી થયેલા 130 મતદારોનાં નામ રજૂ કરવાનો પડકાર આપ્યો હતો. આવા મતદારોનાં નામ ઉમેરાવવા માટે ચૂંટણી પંચની પ્રક્રિયામાં સહયોગ આપવા ભાજપ તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
EVM હેકિંગ અને બંધારણ બદલવાના આક્ષેપો અંગે તેમણે કોંગ્રેસ પર રાજકીય ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયા અંગે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
અંતમાં સુરેશભાઈ ચૌધરીએ ડાંગના આદિવાસી સમાજ અને મતદારોને સોશિયલ મીડિયા પરની માહિતીની સત્યતા ચકાસીને જ વિશ્વાસ કરવા અપીલ કરી હતી. ભાજપ ચૂંટણી પંચના નિયમો અનુસાર પારદર્શિતા અને મતદાર જાગૃતિ માટે પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
નોંધ: આ અહેવાલમાં રજૂ કરાયેલા આક્ષેપો અને આંકડા ભાજપ જિલ્લા પ્રમુખના નિવેદન પર આધારિત છે; તેમની સ્વતંત્ર ચકાસણી કરવામાં આવી નથી.




