ડાંગ જિલ્લાના આહવા ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોજાઈ
માહિતી બ્યુરો તથા રિપોર્ટર: શિવાજી કવર આહવા

આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રવિવારે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો.
“સ્વસ્થ જીવન માટે યોગ” થીમ આધારિત આ કાર્યક્રમ સ્ટેડિયમ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત લોકોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરી યોગના આરોગ્યલક્ષી લાભો વિશે માહિતી મેળવી હતી.
કાર્યક્રમ દરમિયાન યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. આયોજકોએ યોગ દ્વારા તંદુરસ્ત અને સુખી સમાજના નિર્માણ માટે સૌને નિયમિત યોગાભ્યાસ કરવાની અપીલ કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ વિભાગોએ સહયોગ આપ્યો હતો.




