કેરળમાં કોંગ્રેસ, બંગાળમાં તૃણમુલ તથા પંજાબની લુધિયાણા બેઠક પર ‘આપ’ની જીત : ભાજપ માત્ર કડી બેઠક જીત્યુ
નવી દિલ્હી,

દેશનાં ચાર રાજયોમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં કેન્દ્રમાં સતા ધરાવતા ભાજપનો માત્ર એક જ બેઠક પર વિજય થયો છે અન્ય ચાર બેઠકો પર વિપક્ષી ઉમેદવારોએ જીત મેળવી હતી.
પાંચમાંથી બે બેઠકો ગુજરાતની હતી જયાં કડીની બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જયારે વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો.
કેરળમાં નિલામ્બુર વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી હતી જયાં કોંગ્રેસનાં આર્યદાયનો વિજય થયો હતો. આ લોકચુકાદો રાજય સરકારની વિરૂધ્ધનો હોવાનું વિજેતા ઉમેદવારો જાહેર કરીને ભવ્ય વિજય સરઘસ યોજયુ હતું.
પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર અલીફા અહેમદ ભાજપના આશીષ ઘોષ સામે મોટી અંતરની લીડ ધરાવતા હતા.આ ટ્રેન્ડને પગલે મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોશ્યલ મિડિયામાં જીતની ખુશી જાહેર કરી દીધી હતી.
પંજાબમાં લુધિયાણાની બેઠક પર પણ પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાયો હતો જયાં આપના ઉમેદવાર સંજીવ અરોરા 10637 મતની સરસાઈથી જીત્યા હતા. કોંગ્રેસનાં ભારત ભુષણ આસુને પરાજીત કર્યા હતા.