વાંસદાની સરકારી પ્રા. શાળાઓમાં હેલ્પરોની:અછત વચ્ચે શિક્ષકો શિક્ષણ છોડીને ‘વેઈટર’ની ભૂમિકામાં
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ (વાંસદા) નવસારી

વિદ્યાર્થીઓ માટે જમણવારની વ્યવસ્થા છે, પરંતુ ૨૫૦ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ હેલ્પર હોવાથી જમાડવાથી લઈને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોના ખંભે; હેલ્પરોની ભરતી ન થતાં શિક્ષકો અને વાલી ઓમાં રોષ,વાંસદા તાલુકાની અનેક સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાની વાસ્તવિકતા સરકારના દાવાઓથી તદ્દન વિપરીત હોવાનું સામે આવ્યું છે. સરકારના નિયમો મુજબ ૨૦૦ થી ૨૫૦ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં ત્રણ હેલ્પરો ફરજિયાત હોવા છતાં અનેક શાળાઓમાં માત્ર એક જ હેલ્પરના ભરોસે સમગ્ર ભોજન વ્યવસ્થા ચલાવવામાં આવી રહી છે. પરિણામે શિક્ષકોને વર્ગખંડ છોડીને વિદ્યાર્થીઓને ભોજન પીરસવાની ફરજ પડી રહી છે એક તરફ સરકાર શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ ક્લાસ અને આધુનિક શિક્ષણની વાતો કરી રહી છે, જ્યારે બીજી તરફ વાંસદાની અનેક શાળાઓમાં શિક્ષકોને શિક્ષણકાર્યને બદલે ભોજન વિતરણની કામગીરીમાં જોતાં સરકારી દાવાઓની પોલ ખુલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિક્ષકોના હાથમાં પુસ્તકને બદલે ભોજનની થાળી જોવા મળતાં સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે પ્રાપ્ત માહિતી મુજબ વર્ષો પહેલાં મધ્યાહન ભોજનની કામગીરી ખાનગી એજન્સીઓને સોંપાયા બાદ શાળાઓમાં તૈયાર ભોજન પહોંચાડવાની પ્રથા શરૂ થઈ હતી. ત્યારથી હેલ્પરોની ભરતી પ્રક્રિયા લગભગ ઠપ્પ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. પરિણામે આજે સ્થિતિ એવી બની છે કે રિસેસ દરમિયાન શિક્ષકોને જ ૨૦૦ થી ૨૫૦ વિદ્યાર્થી ઓને ભોજન પીરસવાની જવાબદારી નિભાવવી પડે છે. જેના કારણે શિક્ષકોનો કિંમતી સમય બિનશૈક્ષણિક કામગીરીમાં વેડફાઈ રહ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સરકારના નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં વર્ષોથી ખાલી પડેલી હેલ્પરોની જગ્યાઓ ભરવામાં આવી નથી. જેના કારણે એક તરફ શિક્ષકો પર વધારાનો બોજ વધી રહ્યો છે તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાં સ્થાનિક રોજગારીની તકો પણ છીનવાઈ રહી છે. બેરોજગારીના સમયમાં અનેક પરિવારો માટે હેલ્પરની નોકરી આવકનું સાધન બની શકે તેમ હોવા છતાં ભરતી પ્રક્રિયા ઠપ્પ રહેતા લોકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે શિક્ષણપ્રેમીઓનું કહેવું છે કે જો શિક્ષકોને જ ભોજન પીરસવાનું કામ કરાવવાનું હોય તો શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવાઓ માત્ર કાગળ પૂરતા જ સીમિત રહી જશે. હાલમાં વિદ્યાર્થીઓ માટે જમણવારની વ્યવસ્થા છે, પરંતુ શિક્ષકો માટે ‘વેઈટર’ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારના નિયમ મુજબ ત્રણ હેલ્પરોની જોગવાઈ હોવા છતાં માત્ર એક જ હેલ્પરના ભરોસે શાળાઓ કેમ ચલાવવામાં આવી રહી છે? જિલ્લા અને તાલુકા શિક્ષણ તંત્ર આ ગંભીર સમસ્યાથી અજાણ છે કે પછી જાણીને પણ આંખ આડા કાન કરી રહ્યું છે? આવા સવાલો હવે વાલીઓ, શિક્ષણપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ઉઠી રહ્યા છે વિદ્યાર્થી ઓના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા આ મુદ્દે જવાબદાર તંત્ર ક્યારે જાગશે અને વર્ષોથી અટવાયેલી હેલ્પરોની ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ કરશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાનો ભોગ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક બેરોજગાર યુવાનો બની રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.



