‘તપાસના નામે તંત્રનો ખેલ? ચિંચવિહિર ગટર કૌભાંડમાં તપાસ વિના જ બિલ ચૂકવાયાનો ગંભીર આક્ષેપ’
રિપોર્ટર: શિવાજી કવર

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની ચિંચવિહિર ગ્રામ પંચાયતના ખેરીન્દ્રા ગામમાં વર્ષ 2024-25 દરમિયાન અંદાજે રૂ. 5 લાખના ખર્ચે બનાવવામાં આવેલી ગટરના કામમાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
એક જાગૃત નાગરિકે તા. 09/01/2026ના રોજ લેખિત ફરિયાદ કરી હતી કે ગટરના બાંધકામમાં હલકી અને નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદને ગંભીરતાથી લઈ તે સમયના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સુહાસ ગવાંડે દ્વારા તા. 20/01/2026ના રોજ ટેક્નિકલ એસ.ઓ. આશિષ ભોંયે અને વિસ્તરણ અધિકારી વિપુલ ડી. કુલકર્ણીની તપાસ સમિતિ રચી પાંચ દિવસમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
પરંતુ ફરિયાદીનો આક્ષેપ છે કે ત્યારબાદ તપાસ અંગે કોઈ લેખિત જાણ કરવામાં આવી નહીં, તપાસ અહેવાલ પણ જાહેર કરવામાં આવ્યો નહીં. વધુમાં, ચોમાસાના પ્રથમ જ વરસાદમાં ગટર ધોવાઈ જતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર મામલે હવે વધુ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે કે તપાસ પૂર્ણ કર્યા વિના અને તપાસ અહેવાલ રજૂ કર્યા વગર જ સંબંધિત કામના નાણાં (બિલ) ચૂકવી દેવામાં આવ્યા હતા. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર બેદરકારી નહીં, પરંતુ જાહેર નાણાંના ઉપયોગમાં ગંભીર ગેરરીતિ ગણાશે.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સમગ્ર પ્રક્રિયામાં તે સમયના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સુહાસ ગવાંડે, ટેક્નિકલ એસ.ઓ. આશિષ ભોંયે, તલાટી-કમ-મંત્રી, સરપંચ રવિના ગાવિત તેમજ તેમના પતિ સુનિલ ગાવિતની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
સ્થાનિકોમાં ચર્ચા છે કે જો સમયસર અને નિષ્પક્ષ તપાસ થઈ હોત તો જાહેર નાણાંનો દુરુપયોગ અટકાવી શકાય તેમ હતો. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું પ્રશાસન આ સમગ્ર પ્રકરણમાં ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરશે કે પછી સમગ્ર મામલો કાગળો પૂરતો જ સીમિત રહી જશે?
બોક્સ : જે વિગત સામે આવી છે તેમા તાત્કાલિક તપાસ કમિટી બનાવી તપાસ સોંપી દેવાઈ છે તપાસ બાદ જે પણ જવાબદાર હશે તેના પર કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવશે.
ડી.જે.ભોંયા. તાલુકા વિકાસ અધિકારી સુબીર




