ડાંગ

આહવા આંબાપાડાના 100 પરિવારોની સસ્તા અનાજની દુકાન ફરી બંધારપાડામાં રાખવાની માંગ, તંત્રને અપીલ

રિપોર્ટર: શિવાજી કવર

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ આંબાપાડા વિસ્તારમાં રહેતા અંદાજે 100 પરિવારો છેલ્લા ઘણા સમયથી બંધારપાડા સ્થિત સસ્તા અનાજની દુકાન પરથી રાશન મેળવતા હતા. આંબાપાડાથી બંધારપાડાની દુકાનનું અંતર માત્ર અંદાજે 500 મીટર હોવાથી વૃદ્ધો, મહિલાઓ તેમજ સામાન્ય પરિવારોને અનાજ લેવા જવામાં સરળતા રહેતી હતી.
પરંતુ તાજેતરમાં તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનને બંધારપાડાથી ખસેડીને પટેલ પાડા ખાતે કાર્યરત કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આંબાપાડાથી પટેલ પાડાનું અંતર અંદાજે દોઢ કિલોમીટર જેટલું હોવાથી ખાસ કરીને વૃદ્ધ નાગરિકો, મહિલાઓ અને આર્થિક રીતે નબળા પરિવારોને અનાજ લેવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રોજિંદા કામકાજ વચ્ચે આટલું લાંબું અંતર કાપીને રાશન લેવા જવું મુશ્કેલ બને છે. વરસાદી મોસમ દરમિયાન માર્ગની પરિસ્થિતિ અને આવન-જાવનની તકલીફને કારણે સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
આંબાપાડાના પરિવારોની માંગ છે કે અગાઉ જેમ બંધારપાડા ખાતે સસ્તા અનાજની દુકાન કાર્યરત હતી તેમ જ ફરીથી ત્યાં જ રાખવામાં આવે અથવા ઓછામાં ઓછું આંબાપાડાના લાભાર્થીઓને બંધારપાડા દુકાન સાથે જ જોડાયેલા રાખવામાં આવે, જેથી તેમને નજીકમાં રાશન મળી રહે.
સ્થાનિકોએ જિલ્લા વહીવટી તંત્ર, પુરવઠા વિભાગ અને સંબંધિત અધિકારીઓને માનવતાના ધોરણે નિર્ણય લઈને આંબાપાડાના આશરે 100 પરિવારોની મુશ્કેલી દૂર કરવા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!