ડીસામાં શંકાસ્પદ ઘી અને અમદાવાદમાં ડુપ્લીકેટ ટોમેટો સોસ ઝડપાયા બાદ દક્ષિણ ગુજરાતમાં ખાદ્ય સુરક્ષાના કડક ચેકિંગની માંગ: ડો. નિરવ ભુલાભાઇ પટેલ.
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ નવસારી

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો બે નંબરી કામ કરનાર અસામાજિક તત્વોના બે નંબરના કામોની પ્રયોગશાળા બની ગયું છે તે હવે લોકોએ જાગૃત થઈને તાકીદે બંધ કરાવવું પડશે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના લાટી બજાર વિસ્તારમાંથી તાજેતરમાં આશરે 890 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત થવાની તેમજ અમદાવાદમાંથી આશરે 2000 કિલો ડુપ્લીકેટ ટોમેટો સોસ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ચિંતાનો માહોલ છે.આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વલસાડ ના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને દક્ષિણ ગુજરાતમાં પણ ખાદ્યપદાર્થોનું વિશેષ ચેકિંગ હાથ ધરવા ઉગ્ર માંગ કરી છે.
ડો. નિરવ પટેલે જણાવ્યું છે કે તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ગરીબ અને સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા વહીવટી તંત્રએ તાત્કાલિક જાગવાની જરૂર છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો દક્ષિણ ગુજરાત ભેળસેળ કરનારા તત્વો માટેની પ્રયોગશાળા બની જશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે મોટું જોખમ ઊભું થશે તેથી વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તારોથી લઈને અંતરિયાળ આદિવાસી વિસ્તારોના બજારોમાં ખાદ્ય સુરક્ષાનું વિશેષ જોખમ આધારિત ચેકિંગ શરૂ કરવામાં આવે.તેમાં ઘી, દૂધ, માખણ, પનીર, માવા અને મીઠાઈના ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, કોલ્ડ સ્ટોરેજ તેમજ કેટરિંગ એકમોના FSSAI લાયસન્સ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ સહિતના તમામ રેકોર્ડ તપાસવામાં આવે.અને એમાં માત્ર ફરિયાદ આધારિત નહીં, પરંતુ જોખમ આધારિત રેન્ડમ સેમ્પલિંગ કરીને નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવે. જો કોઈ નમૂનો ફેઈલ થાય, તો માત્ર છૂટક વેપારી નહીં પણ તેના મુખ્ય ઉત્પાદક અને સપ્લાયર સુધી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.અને જિલ્લા ફૂડ સેફ્ટી ઓફિસરો અને વહીવટી તંત્રના સંકલનથી વિશેષ નોડલ ઓફિસરની નિમણૂક થાય, જે આગામી 7 દિવસમાં તપાસ અભિયાન શરૂ કરે અને 30 દિવસમાં પ્રાથમિક કાર્યવાહીનો અહેવાલ રજૂ કરે.અને દરેક સામાન્ય નાગરિકો માટે ભેળસેળ અંગેની ઓનલાઈન કે સરળ ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થા દરેક જિલ્લામાં શરૂ કરવામાં આવે.
જાહેર જનતાના સ્વાસ્થ્યની રક્ષા કાજે સરકાર આ બાબતને અગ્રતા આપી ત્વરિત અને કડક આદેશો જાહેર કરે તેવી કડક માંગ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે




