દિવાળીના તહેવારને લઈ આહવાના કેશવ કોમ્પ્લેક્સમાં આગની દુર્ઘટનાની મોકડ્રિલ યોજાઈ.
આહવા, ડાંગ & શિવાજી કવર બ્યુરો આહવા ન્યૂઝ ડીજીટલ ટીમ ડાંગ

ડાંગ પોલીસ, SOG, LCB, આપત્તિ વ્યવસ્થાપન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરીનું પ્રદર્શન કરાયું.
દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે રહેણાંક વિસ્તારો, બજારો અને દુકાનોમાં આગ લાગવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જાનમાલનું નુકસાન અટકાવવા ડાંગ જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવાના કેશવ કોમ્પ્લેક્સ ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS), સુરત વિભાગ, પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રિલમાં કેશવ કોમ્પ્લેક્સના ફટાકડાના એક દુકાનમાં આગ લાગી હોવાની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ આહવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કે.બી. સાંખલા અને તેમની ટીમ, SOGના PSI એમ.જી. શેખ તથા તેમની ટીમ, LCBના ઇન્ચાર્જ જે.જી, અનાડકડ અને તેમની ટીમ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ તેમજ જિલ્લા વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સંયુક્ત પ્રયાસો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ મોકડ્રિલમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
મોકડ્રિલનો મુખ્ય હેતુ આગની દુર્ઘટના સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન, તાત્કાલિક બચાવ કામગીરી અને રાહત વ્યવસ્થાની તૈયારી ચકાસવાનો હતો.
આ પ્રસંગે પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે દિવાળી દરમિયાન ફટાકડાનું વેચાણ, સંગ્રહ અને ફોડતી વખતે ફાયર સેફ્ટીના તમામ નિયમોનું કડક પાલન કરે તથા આગ કે અન્ય કોઈ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના નંબર ૧૧૨ પર સંપર્ક કરે.




