તીઘરા ગામના બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ કરવા વલસાડ કલેક્ટરને ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને મુકેશ પટેલ દ્વારા લેખિત રજૂઆત.
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ નવસારી/વલસાડ

વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલા તીઘરા ગામના મુખ્ય અને આંતરિક રસ્તાઓ લાંબા સમયથી અતિશય બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ બાબતે અગાઉ તાલુકા વિકાસ અધિકારી (TDO) સમક્ષ ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં સહીઓ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પરિણામે સ્થાનિક પ્રજા અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગ્રામજનોની આ ગંભીર સમસ્યાને વાચા આપતા સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઈ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટરને વિસ્તૃત પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરાવવા માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ
•જનકભાઈના ઘરથી બિરસા મુંડા ચોક સુધીનો અંદાજિત ૧.૫ કિલોમીટરનો રસ્તો.
•તીઘરા મેઈન રોડથી ઉગમણા ફળિયા થઈને સાઈબાબા મંદિર સુધીનો અંદાજિત ૨ કિલોમીટરનો લાંબો માર્ગ.
* તીઘરા મેઈન રોડથી સ્મશાનભૂમિને જોડતો અંદાજિત ૫૦૦ મીટરનો રસ્તો.
* નહેર ફળિયાથી અતુલ ફળિયાને સાંકળતો અંદાજિત ૪૫૦ મીટરનો આંતરિક રસ્તો વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે.ચોમાસા અગાઉથીવારંવારની રજૂઆતો છતાં આ રસ્તાઓનું પેચવર્ક કે નવું કાર્પેટિંગ ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વડા તરીકે કલેક્ટરશ્રી આ બાબતે સંલગ્ન વિભાગોને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ આપે અને ખરાબ રસ્તાથી પીડિત જનતાને ન્યાય અપાવે તેવી ઉગ્ર માંગ ડો.નિરવ ભુલાભાઇ અને મુકેશ તીઘરા દ્વારા કરવામાં આવી છે.




