સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિઃ
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ.રાજપીપળા

એકતાનગર તા. ૩૧: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન આજે (૩૧ ઓક્ટોબર) એક્તાનગરમાં સરદાર પટેલની ૧પ૧ મી જન્મ જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ની ઉજવણીમાં ભાગ લીધો. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પી અને ૪૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. આજે સાંજે ભવ્ય ‘રાષ્ટ્રીય એક્તા પરેડ’માં હાજરી આપશે. ત્યારપછી દિલ્હી પરત ફરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૧ મી જન્મ જયંતી નિમિત્તે એક્તાનગરમાં યોજાયેલી ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ની ઉજવણીમાં વિશેષ સહભાગી થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની પ્રતિમાને ભવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જે વેળાએ હેલિકોપ્ટર દ્વારા પ્રતિમા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ સવારે ૯-૩૦ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ૪૦૦ કરોડના વિકાસના કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કર્યું હતું અને નવી વિસ્ટાડોમ બસ દ્વારા રેન ફોરેસ્ટ સુધી સફર કરી હતી.
હવે તેઓ સાંજે પ-૧૦ વાગ્યા સુધી સર્કિટ હાઉસમાં રોકાયા પછી સાંજે પ-૧પ વાગ્યે એક્તા પથ તરફ રવાના થશે. સાંજે ૬-૩૦ થી ૭-૪૦ વાગ્યા દરમિયાન તેઓ ભવ્ય ‘રાષ્ટ્રીય એક્તા પરેડ’માં હાજરી આપી સલામી ઝીલશે એક્તાનગરમાં તેના તમામ સત્તાવાર કાર્યક્રમો સંપન્ન થયા પછી રાત્રે ૮ વાગ્યે વડાપ્રધાન એક્તાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે અને રાત્રે ૯-૧૦ વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી પરત પ્રસ્થાન કરશે.
ઉલ્લેખનિય છે કે, ગઈકાલે બનાસકાંઠાના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી વડાપ્રધાન મોદી સાંજે એક્તાનગર પહોંચ્યા હતાં, જ્યાં ‘એક્તા પ્રકાશ પર્વ’ની મુલાકાત લીધા પછી નર્મદા ઘાટમાં મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતાં.
નર્મદાના એક્તાનગરમાં વડાપ્રધાન મોદીએ ‘એક્તા પ્રકાશ પર્વ’ પર રોશનીની અદ્ભુત કૃતિઓ નિહાળી અને ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું. નર્મદા ઘાટ પર મહાઆરતી સમયે ‘નર્મદે હર… જીવનભર’ના નાદ્થી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.