Dharmpur

ધરમપુરના મોટી મોલવેરી અને વણખાસ ગામના બિસ્માર રસ્તાઓથી પ્રજા ત્રાહિમામ:મોટી મોલવેરીના ગ્રામજનો દ્વારા ઉગ્ર જન આંદોલનની ચીમકી.

યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ.ધરમપુર

“મોંઘવારી શાંતિથી જીવવા નથી દેતી, સિસ્ટમ શાંતિથી મરવા નથી દેતી”-વણખાસ સ્મશાનભૂમિના બિસ્માર રસ્તાથી ત્રાહિત ગ્રામજનોની ડો.નિરવ ભુલાભાઇ પટેલ સમક્ષ વેદના.

ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. તાલુકાના મોટી મોલવેરી ગામના જામનપાડા ફળીયાથી હનુમાન ફળીયાને જોડતો રોડ તેમજ વણખાસ ગામના મુખ્ય રસ્તાથી સ્મશાનભૂમિને જોડતો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા વલસાડ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.સ્થાનિકોના આક્ષેપ અનુસાર, આ રસ્તો આજદિન સુધી બન્યો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં જિલ્લા પંચાયત અને સ્થાનિક પંચાયત એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. રસ્તા અને ઊંચા કોઝવેના અભાવે ચોમાસામાં બાળકોને શાળાએ જવા કે લોકોને બજાર અને ડેરીએ જવા માટે આશરે 5 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો કરવો પડે છે. હાલમાં પણ રસ્તા પર મોટા પથ્થરો બહાર આવી ગયા છે અને પાણીનું વહેણ 1 ફૂટ કરતાં વધુ છે. ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી અને લોકોએ જૂના તૂટેલા કોઝવે પર લાકડા મૂકીને જીવના જોખમે પસાર થવું પડે છે. આ રોડનો ઉપયોગ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના લોકો પણ કરે છે.બીજી તરફ વણખાસ ગામની સ્મશાનભુમીના રસ્તાની સ્થિતિ પણ દયનીય હોવાથી કોઈના અવસાન સમયે અંતિમયાત્રા ખુબ લાંબા અંતરસુધી ઉબડખાબડ રસ્તાથી ખભા પર ઊંચકીને લઇ જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. મરણના દુઃખ વચ્ચે પણ લોકોને લાંબું અંતર ચાલીને કાપવું પડે છે.
વર્ષોથી પડતર આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે ગ્રામજનોની ધીરજનો અંત આવ્યો છે અને મોટી મોલવેરીના ગ્રામજનોએ એકસૂરે વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓને જગાડવા માટે વહેલી તકે રસ્તા અને કોઝવેનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર જન આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આ ગરીબ ગ્રામજનોની મુશ્કેલી સમજી તાકીદે યોગ્ય ન્યાય અપાવે તેવી માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!