ગલકુંડ ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનો પ્રારંભ, ગ્રામજનોને મળ્યો આરોગ્ય લાભ
માહિતી બ્યુરો અને શિવાજી કવર આહવા

ડાંગ જિલ્લાના ગલકુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શુક્રવારે આનંદ આશ્રમ, ઉખાટિયા તથા પી.પી. સવાણી યુનિવર્સિટીના હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સંયુક્ત સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો.
શિબિરનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને આસપાસના વિસ્તારોના લોકોને નિયમિત આરોગ્ય તપાસ, તબીબી પરામર્શ તેમજ નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. શિબિરમાં ગલકુંડ ગ્રામ પંચાયતના વિવિધ ગામોના નાગરિકો તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે આરએફઓ વિક્કીકુમાર કનુભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય શંકરભાઈ જીવરામભાઈ પવાર, સરપંચ સુરેશભાઈ વાઘ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પી.પી. સવાણી યુનિવર્સિટીની તબીબી ટીમના ડૉ. અનુજ શુક્લા, ડૉ. ઋષિરાજ સોલંકી, ડૉ. ઉદિત રાજ, ડૉ. યોગેશ વાળા સહિતના ડૉક્ટરોએ સેવાઓ આપી હતી.
અંતમાં યોગી અરુણાનંદ મુનિએ ઉપસ્થિત મહાનુભાવો, તબીબો, સહયોગીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે સ્વસ્થ સમાજના નિર્માણ માટે આવા જનસેવાના કાર્યો સતત ચાલુ રાખવામાં આવશે.



