ડાંગ

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પત્રકારો સાથે ગેરવર્તણૂક: ડાંગના સ્થાનિક પત્રકારોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

રિપોર્ટર શિવાજી કવર સાપુતારા

સાપુતારા ખાતે યોજાયેલા મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક પત્રકારો સાથે અયોગ્ય વર્તન અને વ્યવસ્થાનો અભાવ જોવા મળતા ડાંગ જિલ્લાના પત્રકારોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ મામલે ડાંગ જિલ્લાના સમસ્ત સ્થાનિક પત્રકારોએ એકસૂરે એકઠા થઈ આહવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૦૮/૦૮/૨૦૨૬ના રોજ સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા માહિતી વિભાગ દ્વારા જિલ્લાના તમામ સ્થાનિક પત્રકારોને આ સરકારી કાર્યક્રમના કવરેજ માટે સત્તાવાર આહ્વાન અને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણને માન આપીને તમામ પત્રકારો ઉત્સાહભેર કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતા.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા લોકશાહીની ચોથી જાગીર સમાન પત્રકારો માટે અત્યંત બિનવ્યાવસાયિક અને અયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રેસ ગેલેરીને એવી રીતે કોર્ડન કરી દેવામાં આવી હતી કે પત્રકારો માટે સરળતાથી કવરેજ કરવું મુશ્કેલ બની ગયું હતું. આ ઉપરાંત, પત્રકારોને બેસવા માટે પૂરતી ખુરશીઓ, લેટરપેડ કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી. જેના કારણે આશરે ૩૦ થી ૪૦ જેટલા પત્રકારોને ઊભા રહીને જ કવરેજ કરવાની ફરજ પડી હતી.
જ્યારે ચેનલના પત્રકારો ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માટે આગળ વધ્યા, ત્યારે ત્યાં ફરજ પર હાજર પોલીસ અધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. પોલીસે પત્રકારો સાથે ગેરવર્તણૂક કરતા એવું જણાવ્યું હતું કે, “કવરેજ કરવું હોય તો કરો, નહીંતર અહીંથી જતા રહો.”
સત્તાવાર રીતે આમંત્રણ આપ્યા બાદ, હજારો લોકોની મેદની વચ્ચે પત્રકારો સાથે આવું અપમાનજનક વર્તન કરવામાં આવતા તમામ સ્થાનિક પત્રકારોએ એકસૂરે કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રકારનું વર્તન પત્રકારત્વ અને તેમની ગરિમાનું ખુલ્લું અપમાન છે.
આ બાબતે કલેક્ટરશ્રી, ડાંગ ઉપરાંત માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, નિયામકશ્રી માહિતી વિભાગ, ડાંગ જિલ્લા પોલીસ વડા અને પ્રવાસન વિભાગ ગાંધીનગરને પણ રજૂઆત મોકલવામાં આવી છે. ડાંગના સ્થાનિક પત્રકારોએ માંગ કરી છે કે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ, જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને સ્થાનિક પત્રકારોને ન્યાય આપવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!