Uncategorizedતાપી

હાથના હુન્નરને રોજગારની ઓળખ આપી રહી છે વ્યારાની ૩૦ બહેનો

આલેખન - રોશન સાવંત માહિતી બ્યુરો તાપી અને (IDI) TAPI.યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ તાપી

૧૪ દિવસની તાલીમથી હાથની કારીગરીને મળ્યું સ્વરોજગારનું નવું સ્વરૂપ

બેગ, ઝૂલા અને ઘર સજાવટની ચીજવસ્તુઓની સાથે માર્કેટિંગ, કિંમત નિર્ધારણ અને વ્યવસાય સંચાલનનું પણ મેળવ્યું માર્ગદર્શન

નવું હુન્નર શીખી આ કૌશલ્યના આધારે આત્મનિર્ભર બનવાની ઇચ્છા વ્યક્ત કરતા સ્મિતાબેન ગામીત

મહિલા સશક્તિકરણ માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા આરસેટી અને મિશન મંગલમના સંયુક્ત પ્રયાસો

આલેખન – રોશન સાવંત

માહિતી બ્યુરો, તાપી તા. ૧૧ :- હાથમાં હુન્નર હોય તો રોજગારની તકો શોધવા માટે હંમેશા કોઈના સહારે રહેવું પડતું નથી. આવડતને યોગ્ય તાલીમ અને બજાર સાથે જોડાણ મળે તો એ જ હુન્નર આત્મનિર્ભરતાનો રસ્તો બની શકે છે. આ વાતને સાકાર કરવાની દિશામાં વ્યારા તાલુકાની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ ) સાથે સંકળાયેલી ૩૦ જેટલી ગ્રામ્ય મહિલાઓ આગળ વધી રહી છે.

મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી બેંક ઓફ બરોડા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, તાપી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મિશન મંગલમના સંયુક્ત ઉપક્રમે આરસેટી વ્યારા ખાતે ૧૪ દિવસીય વિશેષ ‘જૂથ પ્રોડક્ટ તાલીમ’ યોજાઈ હતી. તાલીમ દરમિયાન બહેનોએ માત્ર વસ્તુઓ બનાવવાનું જ નહીં, પરંતુ પોતાના હુન્નરને વ્યવસાયમાં કેવી રીતે ફેરવવો તે પણ શીખ્યું હતું.

માસ્ટર ટ્રેનર આરાધના વસાવાના માર્ગદર્શન હેઠળ તાલીમ દરમિયાન મહિલાઓએ વિવિધ પ્રકારની આકર્ષક બેગ, ઘર સજાવટની કલાત્મક વસ્તુઓ, ઝૂલા અને વિવિધ ડેકોરેટિવ હેન્ડીક્રાફ્ટ આઈટમ્સ બનાવવાની પ્રાયોગિક તાલીમ મેળવી હતી. પોતાના હાથથી બનાવેલી વસ્તુને બજારમાં ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડવી, તેની યોગ્ય કિંમત કેવી રીતે નક્કી કરવી અને વ્યવસાયનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે પણ તાલીમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમાર્થી સ્મિતાબેન ગામીત સહિતની તમામ બહેનો માટે આ તાલીમ માત્ર ૧૪ દિવસનો અભ્યાસક્રમ નથી, પરંતુ આગળ વધવાની તક સાબિત થઈ છે. મિશન મંગલમ અંતર્ગત RSETI દ્વારા મળેલી તાલીમથી બહેનોએ નવુ હુન્નર શીખી આ કૌશલ્યના આધારે આત્મનિર્ભર બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

આ પ્રસંગે સ્મિતાબેન ગામીતએ જણાવ્યુ કે, સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ મળેલી આ તાલીમથી મને ઘણું શીખવા મળ્યું છે. હવે હું હાથથી બનાવટની ચીજવસ્તુઓ તૈયાર કરીને વ્યવસાય તરફ આગળ વધવા ઇચ્છુ છું. વધુમાં ગ્રાહકો સુધી પહોંચવા માટે સરકારશ્રીના વિવિધ કાર્યક્રમોમાં સ્ટોલ ફાળવવામાં આવે તો મને પોતાના ઉત્પાદનોનું વેચાણ કરવાની સાથે બજાર પણ મળી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!