ડાંગ જિલ્લામાં વાહનચાલકોની સલામતી અર્થે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ૨૦૦ કિ.મી.થી વધુ માર્ગો પર જંગલ કટિંગ અને ૧૦૦ કિ.મી.થી વધુ માર્ગો પર ગેરુ-ચૂનાની કામગીરી પૂર્ણ.
ડાંગ માહિતી બ્યુરો આહવા & શિવાજી કવર બ્યુરો યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ. આહવા

(ડાંગ માહિતી બ્યુરો) : આહવા : તા : ૨૧: ડાંગ જિલ્લાના ડુંગરાળ અને ઘાટ માર્ગો પરથી પસાર થતા પ્રવાસીઓ
તથા સ્થાનિક વાહનચાલકોની મુસાફરી વધુ સુરક્ષિત અને સુગમ બને તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય),
આહવા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિભાગ હસ્તકના વિવિધ માર્ગો પર ચોમાસા બાદ ઉગી
નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા માટે ૨૦૦ કિલોમીટરથી વધુ લંબાઈમાં જંગલ કટિંગ તેમજ ૧૦૦ કિલોમીટરથી
વધુ અંતરમાં ગેરુ-ચૂના અને સ્ટ્રક્ચર પેઇન્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્ય અને ડુંગરાળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતો વિસ્તાર હોવાથી ચોમાસા દરમિયાન માર્ગોની
બંને બાજુએ મોટા પ્રમાણમાં વનસ્પતિ અને ઝાડી-ઝાંખરા ઉગી નીકળે છે. જેના કારણે તીવ્ર વળાંકો પર સામેથી
આવતા વાહનો જોવામાં મુશ્કેલી પડતી હોય છે અને અકસ્માતનો ભય રહે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી માર્ગ
અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા યુદ્ધના ધોરણે ૨૦૦ કિ.મી.થી વધુ માર્ગો પર સાઇડ કટિંગ અને જંગલ કટિંગ
કરી રસ્તાઓ ખુલ્લા અને વિઝિબલ બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાત્રિ દરમિયાન તેમજ ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનચાલકોને માર્ગની સ્પષ્ટ દિશા મળી રહે તે માટે
માર્ગોની બંને બાજુ આવેલા વૃક્ષો, પેરાપેટ વોલ, કોઝવે, સી.ડી. વર્કસ અને અન્ય સંરચનાઓ પર ૧૦૦ કિલોમીટરથી
વધુ વિસ્તારમાં સફેદ ચૂના અને ગેરુ લગાવવાની તેમજ સ્ટ્રક્ચર પેઇન્ટિંગની કામગીરી આટોપી લેવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ડાંગ દ્વારા હાથ ધરાયેલી આ આગોતરી અને સઘન કામગીરીથી ઘાટ માર્ગો પર
દૃશ્યતામાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી સંભવિત અકસ્માતો અટકાવી શકાશે અને પ્રવાસીઓ તથા સ્થાનિક
નાગરિકો માટે સલામત અને સુવિધાજનક યાતાયાત સુનિશ્ચિત કરી શકાશે.
વળાંકો પર વિઝિબિલિટી વધારવા અને અકસ્માતો નિવારવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘાટ માર્ગો તેમજ સી.ડી. વર્કસ-સ્ટ્રક્ચર પેઇન્ટિંગની ઝુંબેશ દાથ ધરી :




