નવસારી

સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ગણદેવીમાં ‘રન એન્ડ રાઇડ ફોર યુનિટી’નું ભવ્ય આયોજન.

ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ - પ્રિતેશભાઈ પટેલ નવસારી

૩૫૦થી વધુ દોડવીરો અને સાયકલિસ્ટ્સે ઉત્સાહભેર ભાગ લીધો; દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ કર્યો

ગણદેવી : અખંડ ભારતના ઘડવૈયા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સરદાર સ્મારક ટ્રસ્ટ, રોટરી ક્લબ ઓફ ગણદેવી તથા રનર્સ એન્ડ રાઇડર્સ ગ્રુપ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે તા. ૦૧-૧૧-૨૦૨૬ના રોજ સવારે ‘રન એન્ડ રાઇડ ફોર યુનિટી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫ અને ૧૦ કિલોમીટરની દોડ તથા ૨૧ કિલોમીટરની સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણદેવી સહિત નવસારી અને વલસાડ જિલ્લાઓમાંથી ૩૫૦થી વધુ પુરુષો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં સરદારપ્રેમી જનતાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત ફિનિક્સ ફિટનેસ ક્લબના શ્રી જીગરભાઈ દ્વારા તમામ સ્પર્ધકોને વોર્મ-અપ કરાવી કરવામાં આવી હતી. ત્યારબાદ સરદાર સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શ્રી તુષારભાઈ વશીએ પોતાના ઉદબોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે, સરદારશ્રીએ પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ, દૃઢ નિશ્ચય અને રાષ્ટ્રપ્રેમના બળે દેશનાં અનેક રજવાડાંઓનું એકીકરણ કરી અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમના આદર્શોને જીવનમાં ઉતારી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય અસ્મિતાના જતન માટે સૌએ સતત પ્રયત્નશીલ રહેવા તેમણે આહવાન કર્યું હતું.

ત્યારબાદ રોટરી ક્લબ ઓફ ગણદેવીનાં પ્રમુખ શ્રીમતી ફાલ્ગુનીબેન નાયકે પ્રસંગોચિત ઉદબોધન કરી રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની ભાવનાને પ્રોત્સાહિત કરતા આવા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા બદલ તમામ દોડવીરો, સાયકલિસ્ટ્સ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે નવસારી જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. એસ. પટેલે પોલીસ વિભાગના ‘Say No to Drugs’ અભિયાન અંતર્ગત ઉપસ્થિત સૌને નશાથી દૂર રહેવા અપીલ કરી હતી. નશાકારક પદાર્થોનું સેવન તથા વેચાણ થતું હોવાનું ધ્યાને આવે તો ૧૯૩૩ હેલ્પલાઇન પર જાણ કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. ત્યારબાદ નવસારી રનર્સ ગ્રુપના ડૉ. અજયભાઈ મોદી દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવનશૈલીના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપી સૌને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે દોડ અને સાયકલિંગ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર એથ્લેટ્સનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. રનર્સ એન્ડ રાઇડર્સ ગ્રુપના ડૉ. કૌશલભાઈ વૈદ્યએ તમામ ભાગ લેનારને દોડ અને સાયકલ રાઇડના રૂટ, નિયમો તથા જરૂરી સૂચનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રિન્સિપાલ અશ્વિનભાઈ પટેલ એ કર્યું હતું.

રાષ્ટ્રગાન બાદ રોટરી ક્લબ ઓફ ગણદેવીનાં પ્રમુખ શ્રીમતી ફાલ્ગુનીબેન નાયક, સરદાર સ્મારક ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી સંદીપભાઈ નાયક તથા સેક્રેટરી શ્રી પરેશભાઈ નાયક અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. એસ. પટેલે લીલી ઝંડી ફરકાવી દોડ અને સાયકલ રાઇડનો પ્રારંભ કરાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગણદેવીનો માહોલ સરદારમય બની ગયો હતો. દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાથી ઓતપ્રોત દોડવીરો અને સાયકલિસ્ટ્સે સરદારશ્રીના વિચારો અને આદર્શોને હૃદયમાં ધારણ કરી દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના સંકલ્પ સાથે દોડ અને સાયકલ રાઇડ પૂર્ણ કરી હતી. આ આયોજન માત્ર રમતગમત પૂરતું સીમિત ન રહેતાં સરદારશ્રીના રાષ્ટ્રએકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનું પ્રેરણાદાયી માધ્યમ બન્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. અનિલભાઈ પટેલ, ડૉ. હાર્દિક વૈદ્ય, નિર્ભય વશી, નિખિલભાઈ, પાંડિયા બ્રધર્સ, મોહિતભાઈ, ગણેશભાઈ અને મોટી સંખ્યામાં રોટેરિયન મિત્રો તથા અન્ય કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. ખાસ નોંધનીય છે કે આ કાર્યક્રમમાં નવસારી અને વલસાડ જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં દોડવીરો અને સાયકલિસ્ટ્સ જોડાયા હતા. નવસારી સાયકલિસ્ટ્સ, નવસારી રનર્સ તથા બીલીમોરા રેસર્સે પણ કાર્યક્રમની સફળતામાં નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.

આમ, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલ ‘રન એન્ડ રાઇડ ફોર યુનિટી’ કાર્યક્રમ શારીરિક સ્વાસ્થ્ય, સામાજિક એકતા અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંગમ બની રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!