માંડવીના આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષકો પર ઓનલાઈન કામગીરીનો બોજ ઘટાડવાની માંગ
કિરણ ચૌધરી બ્યુરો સુરત.યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ.

વિદ્યાર્થીઓના શિક્ષણ પર થતી વિપરીત અસર અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું
માંડવી: માંડવી તાલુકાના આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો પર વધી રહેલી ઓનલાઈન અને બિનશૈક્ષણિક કામગીરીનો બોજ ઘટાડવાની માંગ ઉઠી છે. શિક્ષકોને સરકારી પોર્ટલ પર માહિતી ભરવા, વિવિધ અહેવાલો તૈયાર કરવા અને અન્ય વહીવટી કામગીરીમાં વધુ સમય ફાળવવો પડતો હોવાથી વિદ્યાર્થીઓના નિયમિત શિક્ષણકાર્ય પર વિપરીત અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે વિરોધ પક્ષના નાથુભાઈ કનૈયાભાઈ ચૌધરી તથા મોટીચેર બેઠકના તાલુકા પંચાયત સભ્ય હિમાંશુ ચૌધરી દ્વારા માંડવી પ્રાંત કચેરીના પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પ્રાથમિક શાળાના શિક્ષકોની મુખ્ય જવાબદારી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની છે. જોકે, વિવિધ પ્રકારની ઓનલાઈન કામગીરી અને વહીવટી જવાબદારીઓ વધવાથી શિક્ષકોનો કિંમતી સમય બિનશૈક્ષણિક કાર્યોમાં પસાર થાય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પાયાનું જ્ઞાન, વાંચન-લેખન કૌશલ્ય અને વ્યક્તિગત શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવા માટે શિક્ષકોનો પૂરતો સમય મળવો જરૂરી છે. આવી સ્થિતિમાં શિક્ષકો પર વધતા કામગીરીના ભારને કારણે બાળકોના અભ્યાસ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરતાં આ સમસ્યાના નિરાકરણ માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આવેદનપત્ર મારફતે શિક્ષકોને સોંપવામાં આવતી બિનજરૂરી ઓનલાઈન અને બિનશૈક્ષણિક કામગીરીનો બોજ ઘટાડવા, શિક્ષણકાર્યમાં અવરોધરૂપ કામગીરીમાંથી મુક્તિ આપવા માટે સંબંધિત વિભાગને ભલામણ કરવા તેમજ અનિવાર્ય ઓનલાઈન કામગીરી માટે અલગ કર્મચારીઓ અથવા યોગ્ય વહીવટી વ્યવસ્થા ઊભી કરવા માંગ કરવામાં આવી છે.
સાથે જ આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણ, માર્ગદર્શન અને શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે વધુ સમય આપી શકે તે માટે શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવા અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.




