Uncategorized

ભગવાન બિરસા મુંડાનું જીવન, સંઘર્ષ અને બલિદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છેઃ સાંસદશ્રી ધવલભાઈ પટેલ

માહિતી બ્યુરો નવસારી યંગ ગુજરાત ન્યૂઝ ટીમ ડિજીટલ ન્યૂઝ ટીમ

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની વાંસદા ખાતે ભવ્ય ઉજવણી

————-

સાંસદશ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યુવા સભાનું આયોજન :

————–

ભગવાન બિરસા મુંડાનું જીવન, સંઘર્ષ અને બલિદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છેઃ સાંસદશ્રી ધવલભાઈ પટેલ

————

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, માળખાકીય સુવિધાઓ અને સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની
ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના વાંસદા ખાતે સાંસદશ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યુવા સભાનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના
બલિદાન, સાંસ્કૃતિક વારસો અને સમાજના સર્વાંગી વિકાસના વિવિધ પાસાઓ અંગે યુવાનોને માહિતગાર કરવામાં
આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદશ્રી ધવલભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર, તેમના સંઘર્ષ અને આદિવાસી
સમાજના ઉત્થાન માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનો જન્મ ૧૫
નવેમ્બર, ૧૮૭૫ના રોજ થયો હતો. તેમણે અંગ્રેજ શાસન દરમિયાન આદિવાસી સમાજના હક, અધિકારો, જમીન અને
અસ્મિતાના રક્ષણ માટે ઐતિહાસિક સંઘર્ષ કર્યો હતો. અંગ્રેજોની શોષણખોર નીતિઓ તથા આદિવાસીઓના પરંપરાગત
અધિકારો છીનવી લેવાના પ્રયાસો સામે તેમણે ‘ઉલગુલાન’ નામના મહાન જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. માત્ર ૨૫
વર્ષની નાની ઉંમરે તેમણે આદિવાસી સમાજમાં સ્વાભિમાન, એકતા અને સ્વતંત્રતાની ભાવના જગાવી હતી. તેમનું
જીવન અને બલિદાન આજે પણ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજના
ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સ્થાન
મળે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં ૧૨ જનજાતીય સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયોનું
નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સંગ્રહાલયો થકી આદિવાસી સમાજના મહાન નાયકોના જીવન, સંઘર્ષ અને
બલિદાનની ગાથા નવી પેઢી સુધી પહોંચશે અને યુવાનોને તેમના ગૌરવશાળી ઇતિહાસથી પરિચિત થવાની તક મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ,
પરંપરા, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો છે. આ સપ્તાહ દરમિયાન
યોજાનારા વિવિધ કાર્યક્રમો થકી યુવાનોને આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, સાંસ્કૃતિક વારસો અને
પરંપરાઓથી પરિચિત કરાવવામાં આવશે તેમજ મહાન નાયકો પ્રત્યે આદર અને સન્માનની ભાવના વધુ મજબૂત બનશે.
આદિવાસી વિસ્તારોના વિકાસ અંગે વાત કરતાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં આદિવાસી
વિસ્તારોમાં શિક્ષણ અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આદિવાસી
વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની પૂરતી તકો ઉપલબ્ધ થાય, યુવાનોને પ્રગતિની નવી દિશા મળે અને સમાજના
છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી

સમાજની નવી પેઢી શિક્ષણ, રોજગાર અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધીને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં પોતાનું
મહત્વપૂર્ણ યોગદાન આપે તે સમયની માંગ છે.
કાર્યક્રમના પ્રારંભે વાંસદા પ્રાયોજના વહીવટદાર કચેરીનાં મદદનીશ કમિશનરશ્રી સુશ્રી પી.ડી. મનાતે ઉપસ્થિત
મહેમાનોનું સ્વાગત કરી પ્રસંગોચિત પ્રવચન દ્વારા જનજાતીય ગૌરવ સપ્તાહના મહત્વ અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે વાંસદા પ્રાંત અધિકારીશ્રી ભાર્ગવ માહલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, મામલતદારશ્રી સહિત વિવિધ
વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!