બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પરંપરાગત નૃત્ય-વાજિંત્રો સાથે ભવ્ય શોભાયાત્રામાં સહભાગી થતાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ
માહિતી બ્યુરો, તાપી (યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ તાપી

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ કહ્યું કે,
• આદિવાસી જનનાયકોએ સમાજને જળ, જંગલ અને જમીનના અધિકારોની સાથે આદિવાસી સમુદાયને સાચી ઓળખ અપાવી છે
• વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમુદાય અને આદિમજૂથોને વિકાસની મુખ્યધારામાં લાવવાના પરિણામલક્ષી પ્રયાસો કર્યા
• મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આદિવાસી કલ્યાણની અનેકવિધ યોજનાઓ અમલી
—
નવું દોઢિયાવાડથી ભસ્તી ફળિયાના માર્ગનું ‘ભગવાન બિરસા મુંડા માર્ગ’ તરીકે નામકરણ; ‘મા શબરી બૂથ’ની મુલાકાત અને લાભાર્થીઓને સહાય વિતરણ
—
વ્યારા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી
—
માહિતી બ્યુરો, તાપી તા. ૧૫ :- ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લાના વ્યારા ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી પ્રસંગે ‘જય જોહાર’ ના ગગનભેદી નારા સાથે સંબોધનની શરૂઆત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડા સહિતના આદિવાસી ક્રાંતિવીરોએ જળ, જંગલ અને જમીનના અધિકારો માટે સંઘર્ષ કરી આદિવાસી સમાજને જાગૃતતા અને સાચી ઓળખ અપાવી છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસામુંડા સહિતના તમામ આદિવાસી ક્રાંતિવીરોના યોગદાનને સન્માન આપવા ૧૫મી નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો… વનબંધુ કલ્યાણ અને પીએમ-જનમન જેવી યોજનાઓ થકી આદિવાસી વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિકાસના પ્રયાસો થયા છે.
તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં પણ રાજ્ય સરકાર પણ આદિવાસી સમુદાયના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.
ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ આદિવાસી સંસ્કૃતિ, બોલી અને પરંપરાઓના જતનની સાથે શિક્ષણ, આરોગ્ય, પોષણ, આવાસ અને સિંચાઈ જેવી પાયાની સુવિધાઓના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે વ્યારાના મિશન નાકા ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પરંપરાગત આદિવાસી નૃત્ય અને વાજિંત્રોના તાલે દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતેના કાર્યક્રમ સ્થળ સુધી યોજાયેલી શોભાયાત્રામાં સહભાગી થયા હતા.
કાર્યક્રમમાં આદિવાસી સમુદાયના લોકનૃત્યોની પ્રસ્તુતિ સાથે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના પ્રતિભાવો રજૂ કરાયા હતા. યોજનાઓ અને પ્રજાલક્ષી કામગીરી અંગેની શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર અને રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે જ, લાભાર્થીઓને યોજનાકીય સહાયનું વિતરણ કરાયું હતું. નાયબ મુખ્ય દંડકશ્રીએ ‘મા શબરી બૂથ’ સહિત વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ આદિવાસી મહિલાઓની આર્થિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને વ્યારા વિધાનસભા મતવિસ્તારના આદિજાતિ સમુદાય સહિત ઉપસ્થિત સૌ કોઈએ માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં નવું ઢોડિયાવાડથી ભસ્તી ફળિયા સુધીના માર્ગનું ‘ભગવાન બિરસા મુંડા માર્ગ’ તરીકે નામકરણ કરી નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના હસ્તે નામકરણ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા પોલીસ વડા શ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિતના અધિકારીઓ, વ્યારા નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયાબેન પટેલ, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.




