તાપી કલેક્ટર કચેરી ખાતે જનસુનાવણીમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપતા આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા
માહિતી બ્યુરો, તાપી & યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ તાપી

તાપી કલેક્ટર કચેરી ખાતે જનસુનાવણીમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપતા આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા
—
અરજદારોના પ્રશ્નો અને સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપતા મંત્રીશ્રી
—
માહિતી બ્યુરો, તાપી તા. ૨૮ :- આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તાપી જિલ્લાના ૭૨ કલાકના પ્રવાસના બીજા દિવસે વ્યારા વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસપ્રકલ્પોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઉચ્ચ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી જનસુનાવણીમાં ઉપસ્થિત અરજદારોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા.
જનસુનાવણી દરમિયાન નાગરિકોની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓને પ્રાથમિકતા આપી, સંબંધિત વિભાગના અધિકારીઓને અરજીઓની નિયમોનુસાર તપાસ કરી ત્વરિત અને યોગ્ય નિરાકરણ લાવવા મંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી. નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તથા તેમની રજૂઆતોનો સમયસર ઉકેલ આવે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, અગ્રણીશ્રી મૃણાલ જોશી, જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલે, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.




