દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ સ્નેહ સંમેલન ૨૨ નવેમ્બરે બાજીપુરા ખાતે યોજાશે: તડામાર તૈયારીઓ ચાલુ
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ તાપી

આદિ પ્રકૃતિ સંકુલ સાઈટ બાજીપુરા ખાતે સૌપ્રથમવાર પોતાની જગ્યામાં યોજાનાર સ્નેહ સંમેલનમાં અંદાજે 5000 જેટલા સમાજ નાં લોકો ભાગ લેશે. આ કાર્યક્રમ માં ભવ્ય વાર્ષિક સ્નેહ સંમેલન તેમજ સાંજે 4.30 થી રાત્રે 10.00 વાગ્યા સુધી સંગીત સંધ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં આદિવાસી સમાજ ની ખાસ કરીને ચૌધરી સમાજ ની વિસરાતી જતી પારંપારિક વાનગીઓનાં ખાના-ખજાના સ્ટોલ, આદિવાસી હસ્તકલા, આદિવાસી વસ્ત્રો તથા પ્રાકૃતિક ભોજનનાં સ્ટોલનું આયોજન
(તાપી-વ્યારા) તા. ૧૭- તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા (બાજીપુરા-બોરખડી-કહેર રોડ) ખાતે આગામી તા. 22/11/2026 ના રવિવારે સૌપ્રથમવાર પોતાની જગ્યામાં દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ફેડેરેશન દ્વારા વર્ષ 2025 2026 નું વાર્ષિક સ્નેહ સંમેલન નું ભવ્ય આયોજન આદિ પ્રકૃતિ સંકુલ સાઈટ બાજીપુરા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 5000 જેટલા સમાજ નાં લોકો ભાગ લેનાર છે.
આદિ પ્રકૃતિ સંકુલ કોર કમીટી અધ્યક્ષ નારસીંગભાઈ જે ચૌધરી તથા સહ કન્વીનર ડો.વિલાસ ચૌધરી તથા સમીર ચૌધરીએ જણાવ્યું હતું કે,સમસ્ત ચૌધરી સમાજના વિકાસ માટે બાજીપુરા –કહેર રોડ પર ભવ્ય આદિ પ્રકૃતિ સંકુલ સાઈટ “ચૌધરી સમાજ ભવન” નું નિર્માણ કરાશે.જેના માટે દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ફેડરેશન દ્વારા ૭ (સાત) વિંઘા જગ્યાની ખરીદી કાર્યવાહી પ્રગતિમાં છે. જેમાં નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. અહીં ૪૦૦ વ્યક્તિઓ તેમજ ૧૨૦૦ વ્યક્તિઓની ક્ષમતા સાથેના મલ્ટીપર્પઝ હોલ,લાયબ્રેરી,લેકચર હોલ,કોમ્પ્યુટર હોલ,આધુનિક સુવિધાયુક્ત પાર્ટી પ્લોટ,૧૦ સ્યુટ રૂમો,૨૦ બેડની ડોરમેટરી,પાર્કિંગ, કિચન, ડાયનીંગ હોલ, રનિંગ ટ્રેક,રમત-ગમતનું મેદાન,જીમ તથા અન્ય આનુસાંગિક સુવિધાઓ,રોડ સાઈડ દુકાનો જેવી સુવિધાઓ ઉભી કરાશે.
બાજીપુરા ખાતે યોજાનાર વાર્ષિક સ્નેહ સંમેલનમાં સાંજે 4.30 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રકૃતિ સંગીત ગૃપ દ્વારા સંગીત સંધ્યા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો,આદિવાસી વિસરાતી જતી પરંપરાગત વાનગીઓ, આદિવાસી હસ્તકલાઓનું પ્રદર્શન,સમાજના તેજસ્વી તારલાઓ,રમતવીરો, વ્યવસાય સિધ્ધિ મેળવનારનું સન્માન,નિવૃત્ત કર્મયોગીઓને બિરદાવવા જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
સમાજના અગ્રણીઓ સહિત તમામ લોકો એક જગ્યાએ એકત્રિત થાય અને સમાજના વિકાસ માટે પોતાનું યોગદાન આપે એવા શુભ આશય સાથે ૨૨ નવેમ્બરે વાર્ષિક સ્નેહ સંમેલનને સફળ બનાવવા ફેડરેશન મહામંત્રીશ્રી પ્રભુદાસ બી ચૌધરી સહિત આદિ પ્રકૃતિ કોર કમીટીએ સમાજના ગૌરવવંતા ઈતિહાસનો વારસો અવિસ્મરણીય બનાવવા અનુરોધ કર્યો છે.




