તાપી જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજયોનલ કોન્ફરન્સ – ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ પૂર્વે બેઠક યોજાઈ
માહિતી બ્યુરો, તાપી

૧૫ માર્ચે યોજાનાર કાર્યક્રમને સફળ બનાવવા માટે આનુષંગિક વ્યવસ્થાઓ બાબતે વિવિધ વિભાગના અધિકારીઓને નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સુચનો કર્યા
—
માહિતી બ્યુરો, તાપી તા. 12 – ગુજરાત સરકારના ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અભિયાનને જિલ્લા સ્તરે વધુ વેગ આપવા અને સ્થાનિક ઉદ્યોગો, રોજગારી તથા રોકાણોને પ્રોત્સાહન આપવાના હેતુથી આગામી ૧૫મી માર્ચ, ૨૦૨૬ ના રોજ વ્યારા-ધુલિયા રોડ સ્થિત એસ.પી.ડોમ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’ યોજાનાર છે.
આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અને આયોજનને આખરી ઓપ આપવા માટે બુધવારે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જેમાં તેમણે, જિલ્લાના સ્થાનિક ઉદ્યોગસાહસિકો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) અને લઘુ ઉદ્યોગો માટે આમંત્રણ, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પોલીસ બંદોબસ્ત, સ્ટોલ્સ સહિત વિવિધ વિભાગો દ્વારા કરવાની થકી કામગીરીને સુચારુ અને આયોજનબદ્ધ રીતે કરવા માટ સુચનાઓ આપી હતી.
આ રિજનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય તાપી જિલ્લાની આર્થિક ક્ષમતાઓને પ્રદર્શિત કરવાનો અને સ્થાનિક સ્તરે નવા રોકાણો આકર્ષવાનો છે. આ મંચ દ્વારા ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સરકારી વિભાગો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થશે, જે જિલ્લાના સર્વાંગી વિકાસમાં સહાયક બનશે.




