ટોચના સમાચાર

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશાળ જનમેદનીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

સાં.સ.સાભાર તથા યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

કોલકાતા:૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન અવસરે આજે સમગ્ર દેશ અને દુનિયા યોગમય બની ગઈ હતી. આ ઐતિહાસિક દિવસની મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલા પ્રખ્યાત રેડ રોડ ખાતે રાખવામાં આવી હતી,
જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતે વિશેષ ઉપસ્થિત રહીને હજારો ઉત્સાહી નાગરિકો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન અને સામૂહિક ભાગીદારીને કારણે સમગ્ર પશ્ચિમ બંગાળનું વાતાવરણ
અભૂતપૂર્વ ઊર્જા અને આધ્યાત્મિક ચેતનાથી સભર બની ગયું હતું.

કોલકાતાના રેડ રોડ ખાતે એકત્રિત થયેલી વિશાળ જનમેદનીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, યોગ માનવ શરીરની ભૌતિક ક્ષમતા, માનસિક શક્તિ અને વધતી ઉંમરની સાથે થતી વિવિધ બીમારીઓ સામે લડવાની
આંતરિક પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ વર્ષની મુખ્ય થીમ “Yoga for Health વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જીવનમાં ફિટનેસના લક્ષ્યો નક્કી કરવા અંગે એક સુંદર માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, આપણું લક્ષ્ય એવું હોવું જોઈએ કે આપણે
૨૦ વર્ષની ઉંમર કરતાં ૪૦ વર્ષની ઉંમરે વધુ ફ્લેક્સિબલ એટલે કે લવચીક હોઇએ. ૩૦ વર્ષની ઉંમરની સરખામણીએ ૫૦ વર્ષની વયે આપણામાં વધુ ઉર્જા હોવી જોઇએ અને ૫૦ વર્ષની ઉંમર કરતાં ૭૦ વર્ષની ઉંમરે આપણે લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઓ સામે લડવા માટે વધુ સક્ષમ હોઇએ. યોગ જ આપણને આપણા શરીર અને મનને સતત ઓળખતા શીખવે છે. જેનાથી આપણે આપણું સંચાલન વધુ સારી રીતે કરી શકીએ છીએ. યોગ ભૌગોલિક સરહદો અને સાંસ્કૃતિક વિવિધતાઓને ઓળંગીને વિશ્વને એક તાંતણે બાંધે છે. આજે હિમાલયથી લઇને હિંદ મહાસાગર સુધી અને પૂર્વોત્તર-બંગાળથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી સમગ્ર ભારત દેશ યોગની દિવ્ય ઊર્જાથી ભરાઈ ગયો છે. ૨૧ જૂન એ પૃથ્વીના કેટલાક ભાગોમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને કારણે હવે આ દિવસ વિશ્વના સૌથી મોટા સામૂહિક ઉત્સવ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે.

પશ્ચિમ બંગાળની પવિત્ર ભૂમિ પર આ વૈશ્વિક કાર્યક્રમ યોજવાના મહત્વ અંગે ભાવુકતા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, બંગાળની આ એ પવિત્ર અને આધ્યાત્મિક ધરતી છે જ્યાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ જેવા
મહાન સંતો અને લાહિડી મહાશય જેવા મહાયોગીઓએ જન્મ લઈને ભારતની યોગ પરંપરાને એક નવી વૈશ્વિક ઊંચાઇ પર પહોંચાડી છે. આવી પવિત્ર ભૂમિ પર સામૂહિક યોગાભ્યાસ કરવો એ એક અદભુત અને વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ છે.
આ સાથે જ વડાપ્રધાને આ ખાસ અવસરે પશ્ચિમ બંગાળના નાગરિકો દ્વારા રાજ્યભરમાં વ્યાપક સ્તરે ચલાવવામાં આવેલા વિશેષ સ્વચ્છતા અભિયાનની પણ હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી અને આ સુંદર પહેલ બદલ બંગાળના તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં કોલકાતાના હજારો નાગરિકો, યુવાનો અને વરિષ્ઠ આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે આસન ગ્રહણ કરી સામૂહિક યોગ કરીને અનોખો ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!