ઈન્સ્ટાગ્રામ પર જોખમી રિવર રાફ્ટિંગનો વીડિયો વાયરલ કરનાર 6 યુવકો સામે ડાંગ એસ.ઓ.જી. પોલીસની કાર્યવા હી

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓ, ધોધ, તળાવો, ચેકડેમ અને નાળાઓમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટ કરી વીડિયો વાયરલ કરનાર છ યુવકો સામે ડાંગ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS)ના માર્ગદર્શન અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના નિર્દેશન હેઠળ એસ.ઓ.જી. ટીમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ઇન્સ્ટાગ્રામ વીડિયોની તપાસ કરી હતી. વીડિયોમાં છ યુવકો આહવાના દેવીનામાળ વિસ્તારની ખાપરી નદીમાં વડદહાડ પુલ નજીક ધસમસતા પૂરના પાણીમાં બોટ (તરાપા જેવી નૌકા)માં બેસી જોખમી રિવર રાફ્ટિંગનો સ્ટંટ કરતા જોવા મળ્યા હતા.
તા. 26 જુલાઈ, 2026ના રોજ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયા બાદ પોલીસે તેની ગંભીર નોંધ લીધી હતી. હાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા નદીઓ, તળાવો, ચેકડેમ, નાળાઓ અને ધોધોમાં ઉતરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં યુવકોએ જાહેરનામાનો ભંગ કરી જીવલેણ સ્ટંટ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે વીડિયોના આધારે તમામ યુવકોની ઓળખ કરી તેમને એસ.ઓ.જી. કચેરી ખાતે બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ આવા જોખમી સ્ટંટ ન કરવા તેમજ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે પોતાના તથા અન્યના જીવ જોખમમાં ન મૂકવા ચેતવણી આપવામાં આવી હતી.
પકડાયેલા ઇસમો:
કૌશિકભાઈ જયરામભાઈ જાદવ
બાલકૃષ્ણભાઈ મહેન્દ્રભાઈ દેશમુખ
તેજસભાઈ મધુભાઈ ગાયકવાડ
દિલીપભાઈ મહેશભાઈ દેસાઈ
તુષારભાઈ રાજેશભાઈ ચૌધરી
મનીષભાઈ રાજેશભાઈ તુંબડા
(તમામ રહે. આહવા, જી. ડાંગ)
આ સમગ્ર કામગીરી PSI એમ. જી. શેખના માર્ગદર્શન હેઠળ ASI વિનેશભાઈ શિવાભાઈ, ASI સુશીલાબેન સોન્યાભાઈ, PC રજનીકાંતભાઈ સતીશભાઈ તથા PC તૃપ્તીબેન દેવરામભાઈએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
ડાંગ જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે વરસાદી મોસમ દરમિયાન જાહેરનામાનું પાલન કરે અને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવા માટે કોઈપણ પ્રકારના જીવલેણ સ્ટંટથી દૂર રહે.




