તાપી

અતિભારે વરસાદથી પ્રભાવિત પરિવારોને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત રાહત સહાયનું વિતરણ

માહિતી બ્યુરો, તાપી

માહિતી બ્યુરો, તાપી, તા. ૦૭ :તાપી જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદ અને કુદરતી આફતોના કારણે અસરગ્રસ્ત બનેલા પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપી અને સંવેદનશીલ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર સર્વે પૂર્ણ કરીને રાજ્ય સરકારની જોગવાઈ મુજબ સહાયની ચુકવણીની કામગીરીને પ્રાથમિકતા આપી હતી.

જિલ્લામાં માનવમૃત્યુના કુલ ૮ કેસ નોંધાયા હતા, જેમાંથી ૭ કેસમાં તમામ કાર્યવાહી પૂર્ણ થતાં રૂ. ૨૮ લાખની સહાય મંજૂર કરીને લાભાર્થી પરિવારોને ચૂકવવામાં આવી છે. તાજેતરમાં જ ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ પણ બેડકુવાદૂરના ડુંગરીફળિયાના શોકાતુર પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને રૂ. ૪ લાખની સહાયની રકમ સોંપી હતી.

જ્યારે પશુધનને થયેલા નુકસાનના ૩ કેસોમાં રૂ. ૧,૧૨,૪૦૦ની સહાય ચૂકવવામાં આવી છે. ઘરવખરીને થયેલા નુકસાન બદલ રોકડ સહાય યોજના હેઠળ ૨૮૧ લાભાર્થીઓને કુલ રૂ. ૧૪.૦૫ લાખની સહાય આપવામાં આવી છે.

મકાન નુકસાનના કેસોમાં પણ ઝડપી કાર્યવાહી હાથ ધરી અંશતઃ નુકસાન પામેલા ૨૮ કાચા મકાનો, સંપૂર્ણ નુકસાન પામેલા ૧૫ કાચા મકાનો, અંશતઃ નુકસાન પામેલા ૧૫ પાકા મકાનો તથા સંપૂર્ણ નુકસાન પામેલા એક પાકા મકાન સહિત કુલ ૫૯ મકાનો માટે રૂ. ૭,૮૩,૧૦૦ની સહાય મંજૂર કરી ચૂકવવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન થયેલા નુકસાનના દરેક કેસમાં પારદર્શક રીતે સર્વે કરી નિયમ મુજબ ઝડપથી સહાય પહોંચાડવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ અસરગ્રસ્તોને સમયસર રાહત મળે તે માટે જિલ્લા તંત્ર સતત સજ્જ રહી કામગીરી કરી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!