સાપુતારા ખાતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડાંગ જિલ્લાના નાણાકીય સમાવેશ અને આર્થિક વિકાસ અંગે દ્વિતીય ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ :
ડાંગ માહિતી બ્યુરો & શિવાજી કવર યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ ડાંગ

(ડાંગ માહિતી બ્યુરો) : આહવા : તા : ૪: ડાંગ જિલ્લામાં નાણાકીય સમાવેશ અને આર્થિક વિકાસને નવી ગતિ
આપવા તેમજ પાયાના પડકારોના નિવારણ અર્થે ભારતીય રિઝર્વ બેંક (RBI), અમદાવાદ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ૨
નવેમ્બર, ૨૦૨૬ના રોજ સાપુતારા ખાતે દ્વિતીય ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
બેઠકની અધ્યક્ષતા ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદના પ્રાદેશિક નિર્દેશક શ્રી અમરેશ રંજને કરી હતી, જ્યારે અતિથિ
વિશેષ તરીકે બેંક ઓફ બરોડાના કાર્યપાલક નિર્દેશક શ્રી લાલ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ડાંગ જિલ્લામાં આર્થિક પ્રવૃત્તિઓ અને નાણાકીય સમાવેશન સમક્ષ રહેલા પડકારો અંગે
વિચાર-વિમર્શ કરી ટકાઉ આજીવિકા વિકાસ માટે લક્ષિત પગલાંઓ સુનિશ્ચિત કરવાનો હતો.
બેઠકમાં પ્રાદેશિક નિર્દેશક શ્રી અમરેશ રંજને જણાવ્યું હતું કે, બેંકોએ માત્ર પરંપરાગત ધિરાણ આપવા સુધી સીમિત ન
રહેતાં એક સર્વાંગી વિકાસ વ્યૂહરચના અપનાવવાની જરૂર છે. જેમાં સંસ્થાકીય ધિરાણની સાથે સાથે પાયાની
માળખાકીય સુવિધાઓ, કૌશલ્ય વિકાસ, સ્થાનિક ઉત્પાદનોનું એકત્રીકરણ અને યોગ્ય બજાર વ્યવસ્થા પૂરી પાડવી
અત્યંત આવશ્યક છે. તેમણે ડાંગના પહાડી વિસ્તારના, છૂટાછવાયા વસવાટો, મર્યાદિત ખેતીલાયક જમીન અને
કનેક્ટિવિટી સંબંધિત ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક જરૂરિયાતો મુજબ કેન્દ્રિત અભિગમ
અપનાવવા પર ભાર મૂક્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, ડાંગ જિલ્લામાં સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા પર્યટનની અપાર સંભાવનાઓ રહેલી છે, જેનો
સુવ્યવસ્થિત ઉપયોગ સ્થાનિક યુવાનો માટે સ્વરોજગાર અને આજીવિકાની નવી તકોનું સર્જન કરી શકે છે. સાથોસાથ
નાણાકીય સેવાઓની પહોંચ સરળ બનાવવા અને આર્થિક ગતિવિધિઓને વેગ આપવા જિલ્લામાં ટેલિકોમ તથા
ડિજિટલ કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ કરવાની જરૂરિયાત દર્શાવી હતી.
બેઠક દરમિયાન ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ના સશક્તિકરણ માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન
કંપની (GLPC) ની ભૂમિકાની સરાહના કરવામાં આવી હતી. સ્વ-સહાય જૂથોને બેંક ધિરાણ સાથે જોડવા ઉપરાંત
તેમના સ્થાનિક ઉત્પાદનોના યોગ્ય વેચાણ માટે સક્ષમ બજાર પૂરું પાડવા GLPC ને અનુરોધ કરાયો હતો, જેથી
ગ્રામીણ પરિવારોને કાયમી આવકનો સ્ત્રોત મળી રહે.
આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાણાકીય સમાવેશનની પહેલ માત્ર બેંકિંગ
સેવાઓ કે ધિરાણ આપવા પૂરતી સીમિત ન રહેતાં, ડાંગ જિલ્લાના લોકોના સામાજિક-આર્થિક જીવનધોરણમાં સાચા
અર્થમાં સકારાત્મક સુધારો લાવનારી સાબિત થવી જોઈએ.
આ સમીક્ષા બેઠકમાં નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક શ્રી જી. વી. સુનીલ કુમાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના મુખ્ય
મહાપ્રબંધક શ્રી બાલાજી કુમાર સિંહ સામંતા, જિલ્લામાં કાર્યરત વિવિધ બેંકોના રાજ્ય વડાઓ, જિલ્લા વહીવટી
તંત્રના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.




