નવસારી

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મહારાષ્ટ્રના ‘મેંધા-લેખા’ મોડેલ આધારિત વિશેષ મિશન શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત.

યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ -વલસાડ, નવસારી

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગ્રામસભા સશક્તિકરણ,વન અધિકારોના અસરકારક ઉપયોગ અને વન આધારિત આજીવિકાના સર્વાંગી વિકાસ માટે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ માંગ કરવામાં આવી છે.સમસ્ત આદિવાસી સમાજના કન્વીનર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટરોને લેખિત રજૂઆત કરીને “દક્ષિણ ગુજરાત આદિવાસી ગ્રામસ્વરાજ્ય અને સામુદાયિક વન અધિકાર મિશન–2026” મંજૂર કરવા માંગ કરી છે.
આ રજૂઆત અંગે વિગતો આપતા ડો. નિરવ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, સુરત અને ભરૂચ જિલ્લાના આદિવાસી પરિવારોનું જીવન જંગલ, જમીન અને લઘુવન પેદાશો સાથે જોડાયેલું છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પ્રખ્યાત ‘મેંધા-લેખા’ ગામે સામુદાયિક વન અધિકાર અને ગ્રામસભા આધારિત વ્યવસ્થાપનમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. આ જ મોડેલને ગુજરાતના ભૌગોલિક અને કાયદાકીય સંદર્ભમાં લાગુ કરીને આદિવાસી સમુદાયને સશક્ત બનાવવાની તાતી જરૂરિયાત છે.આથી પ્રથમ તબક્કામાં સાત જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા ૧૨ ગામોમાં ૩૬ મહિના માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે. આ માટે રૂ. ૨.૦૪ કરોડનું પ્રારંભિક બજેટ આયોજન સૂચવવામાં આવ્યું છે. તેમજ વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ વ્યક્તિગત, સામુદાયિક અને વન સંસાધન અધિકારોના પેન્ડિંગ દાવાઓ અને નકશાઓની સમીક્ષા કરી કાયદેસરની કાર્યવાહી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તેમજ પ્રોજેક્ટ સંચાલન, વન સંરક્ષણ અને મહિલા આજીવિકા જેવી તમામ સમિતિઓમાં આદિવાસી સમુદાયના જ સ્થાનિક લોકોને નેતૃત્વ સોંપવામાં આવે અને મહિલાઓ-યુવાનોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તેમજ વાંસ અને અન્ય લઘુવન પેદાશોના સંગ્રહ, પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન (Value Addition) અને માર્કેટિંગ માટે ખાસ યોજના બનાવી મહિલા સ્વસહાય જૂથો (SHGs) તથા યુવાનોને આર્થિક સહાય અને તાલીમ આપવામાં આવે તેમજ મેંધા-લેખા મોડેલને ગુજરાતમાં લાગુ કરવા માટે એક નિષ્ણાત સમિતિ રચવામાં આવે. સાથે જ, દર વર્ષે ગ્રામસભા સમક્ષ આવક-ખર્ચ અને વન પેદાશોના વેચાણનો હિસાબ રજૂ કરી સામાજિક ઓડિટ (Social Audit) કરવામાં આવે.
આ પહેલનો મુખ્ય હેતુ આદિવાસી સમુદાયને માત્ર સરકારી યોજનાઓના લાભાર્થી રાખવાને બદલે, તેમને વન સંરક્ષણના જવાબદાર ભાગીદાર અને સ્થાનિક વિકાસના સાચા નિર્ણાયક બનાવવાનો છે. આ જનહિતના પ્રસ્તાવ પર રાજ્ય સરકાર સત્વરે હકારાત્મક નિર્ણય લઈ નોડલ અધિકારીની નિમણૂક કરે તેવી આદિવાસી સમાજ વતી પ્રબળ માંગ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!