અરેઠ ગામમાં જમીન-મિલકતના મુદ્દે 500થી વધુ ગ્રામજનોની રજૂઆત
કિરણ ચૌધરી બ્યુરો સુરત.યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ

અરેઠ ગામમાં જમીન-મિલકતના મુદ્દે 500થી વધુ ગ્રામજનોની રજૂઆત
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થયેલી અરજી સામે વાંધો રજૂ કર્યો, નિષ્પક્ષ તપાસ અને કાયદેસરની કાર્યવાહીની માંગ
અરેઠ: અરેઠ તાલુકાના અરેઠ ગામમાં જમીન અને મકાન સંબંધિત મુદ્દે 500થી વધુ ગ્રામજનોએ એકત્ર થઈ સંબંધિત તંત્ર સમક્ષ આવેદનપત્ર રજૂ કર્યું છે. ગ્રામજનોએ તેજસકુમાર હરીશભાઈ કટારિયા દ્વારા કરવામાં આવેલી અરજી અંગે વાંધો ઉઠાવી સમગ્ર મામલે નિયમોનુસાર તપાસ કરવા અને યોગ્ય ન્યાય આપવા માંગ કરી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અરેઠ ગામમાં મકાનો અને જમીન પર કથિત દબાણ દૂર કરવા અંગે કરવામાં આવેલી અરજીની સુનાવણી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થવાની છે. આવેદનપત્રમાં ગ્રામજનોએ રજૂઆત કરી છે કે અરજદાર અરેઠ ગામના રહેવાસી નથી અને ગામમાં તેમની કોઈ જમીન કે મકાન નથી.
આવેદનપત્રમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જમીન-મિલકત તથા ગ્રામ પંચાયતના કામકાજને લગતી વારંવારની અરજીઓના કારણે ગામમાં અશાંતિનું વાતાવરણ ઊભું થવાની ભીતિ છે. તેમણે ગામના મૂળ નિવાસીઓના હિતોનું રક્ષણ થાય અને ગામમાં શાંતિ તથા એકતા જળવાઈ રહે તે માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી છે.
ગ્રામજનોએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી સ્વીકારવાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ગામકક્ષાના પ્રશ્ન અંગે અરજદાર દ્વારા અગાઉ ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવક સમક્ષ અરજી કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ થવી જોઈએ. આ અંગે સંબંધિત પરિપત્રની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને અરજીની પ્રક્રિયાની ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે.
અરેઠ ગામના 500થી વધુ ગ્રામજનોએ આવેદનપત્રમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી નિયમોનુસાર નિર્ણય લેવા, જમીન-મિલકત સંબંધિત હિતોનું રક્ષણ કરવા તથા હેરાનગતિ કે શાંતિ ભંગ કરવાના આક્ષેપો તપાસમાં સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
હવે આ રજૂઆતના આધારે સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો પ્રતિભાવ અને તંત્રની સત્તાવાર વિગતો મળ્યા બાદ સમગ્ર મામલાની વધુ સ્પષ્ટતા થઈ શકશે.




