Valsad

ક્વોરી માલિકો ચેતી જજો! ગરીબ ગ્રામજનોના ઘર અને જીવન સાથે ચેડાં હવે નહીં ચાલે! નાનાપોંઢા-કપરાડાની ક્વોરીઓ સામે આરપારની લડાઈ, મુખ્યમંત્રી સુધી પહોંચશે જનતાનો અવાજ

કિર્તી પટેલ બ્યુરો ચીફ વલસાડ-જિલ્લો

મોટા પોંઢા ગામના ડુંગળી ફળિયામાં યોજાયેલી વિરોધ રેલી અને મામલતદારશ્રીને આપવામાં આવેલા આવેદનપત્ર બાદ હવે આ લડત માત્ર એક ગામ પૂરતી મર્યાદિત રહેવાની નથી. નાનાપોંઢા તાલુકા ઉપરાંત કપરાડા વિસ્તારની ક્વોરીઓની કામગીરીની પણ તપાસ કરવાની માગ ઉઠી રહી છે. આ સમગ્ર મામલો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવાની પણ તૈયારી છે.

ક્વોરી માલિકો ચેતી જજો! ગરીબ ગ્રામજનોના ઘર અને જીવન સાથે ચેડાં હવે નહીં ચાલે! નાનાપોંઢા-કપરાડાની ક્વોરીઓ સામે આરપારની લડાઈ, મુખ્યમંત્રી સુધી પહોંચશે જનતાનો અવાજ

500 ફૂટથી વધુ ઊંડા ખોદકામના આક્ષેપો, બ્લાસ્ટિંગથી મકાનોમાં તિરાડો, પાણી અને રસ્તાઓને નુકસાનની ફરિયાદો; તમામ ક્વોરીઓની ઉચ્ચસ્તરીય તપાસ કરી ગેરરીતિ સાબિત થાય તો લીઝ રદ કરી કાયમી બંધ કરવાની માગ

નાનાપોંઢા, વલસાડ: પૈસાની તાકાત મોટી કે સામાન્ય માણસનું જીવન? સત્તાનો પ્રભાવન મોટો કે ગરીબ પરિવારના ઘર અને બાળકોનું ભવિષ્ય? નાનાપોંઢા અને કપરાડા વિસ્તારની ક્વોરીઓને લઈને હવે આ સવાલો ગ્રામજનોના મનમાં ઊભા થઈ રહ્યા છે. ક્વોરીઓના કથિત બેફામ બ્લાસ્ટિંગ, ઊંડા ખોદકામ, રહેણાક વિસ્તારોની નજીક ચાલતી કામગીરી અને પર્યાવરણને થતી અસરો સામે ગ્રામજનોનો વિરોધ હવે વધુ સંગઠિત બનતો જોવા મળી રહ્યો છે.

ગરીબના ઘરમાં તિરાડો, ક્વોરીમાંથી કોના ખિસ્સા ભરાય છે?

ગ્રામજનોના આક્ષેપ મુજબ ક્વોરીઓમાં કરવામાં આવતા બ્લાસ્ટિંગના કારણે ધરતીકંપ જેવા આંચકા અનુભવાય છે. ઘરોમાં તિરાડો પડી રહી છે, મકાનો અને આસપાસના વિસ્તારોમાં પથ્થરો પડવાની ભીતિ રહે છે, બોરવેલ અને પાણીના સ્ત્રોતો પર અસર થવાની ફરિયાદો છે. ભારે વાહનોના કારણે ગામના રસ્તાઓને પણ નુકસાન થઈ રહ્યું છે.

ક્વોરીના વ્યવસાયમાંથી આર્થિક લાભ મેળવનારાઓ સામે ગ્રામજનોનો સવાલ છે કે જો બ્લાસ્ટિંગથી નુકસાન થાય, ઘરોમાં તિરાડો પડે અને પરિવારના સભ્યો ભયના માહોલમાં જીવે તો તેની જવાબદારી કોણ લેશે?

કોઈનો વ્યવસાય બંધ કરાવવાનો વ્યક્તિગત હેતુ નથી, પરંતુ વ્યવસાયના નામે ગરીબ પરિવારોના જીવન, સંપત્તિ અને સુરક્ષાને જોખમમાં મૂકવાની છૂટ કોઈને ન હોઈ શકે

આ ઉપરાંત તા. 18 જૂન 2026ના રોજ ભારે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પણ રજૂ કરવામાં આવી છે.

જો આ આંકડાઓની તપાસમાં પુષ્ટિ થાય તો આ સામાન્ય ફરિયાદનો નહીં, પરંતુ અનેક પરિવારોની મિલકત અને સલામતી સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નનો વિષય બની શકે છે. તંત્ર દ્વારા દરેક અસરગ્રસ્ત મકાનનું સરકારી પંચનામું, ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણ અને નિષ્ણાતો દ્વારા ટેકનિકલ તપાસ કરાવવી જરૂરી છે.

500 ફૂટથી વધુ ઊંડાઈ સુધી ખોદકામ? સરકારની મંજૂરી કેટલી?

કેટલીક ક્વોરીઓ 500 ફૂટથી વધુ ઊંડી થઈ હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા અને આક્ષેપો થઈ રહ્યા છે. હવે ખાણ-ખનીજ વિભાગે સ્પષ્ટ કરવું જોઈએ કે કઈ ક્વોરીને કેટલી ઊંડાઈ સુધી ખોદકામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મંજૂર ઊંડાઈ કેટલી છે? વાસ્તવિક ઊંડાઈ કેટલી છે? ખોદકામની મર્યાદાનું પાલન થાય છે કે નહીં? ભૂગર્ભ જળસ્તર પર તેની શું અસર થઈ છે?

આ પ્રશ્નોના જવાબ માત્ર કાગળ પર નહીં, પરંતુ સરકારી માપણી અને સ્થળ તપાસના આધારે જાહેર થવા જોઈએ.

રહેણાક વિસ્તારોની બાજુમાં ક્વોરીઓને મંજૂરી કોણે આપી?

અરનાલા, ધગડમાળ, ડેલી સહિતના વિસ્તારોમાં આવેલી ક્વોરીઓ અંગે પણ ગ્રામજનો દ્વારા ફરિયાદો અને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ક્વોરીઓની મંજૂરી અને કામગીરીની પણ તપાસ કરવાની માગ છે.

જે વિસ્તારોમાં વર્ષોથી પરિવારો વસવાટ કરે છે, ત્યાં ક્વોરીઓને મંજૂરી આપતાં પહેલાં રહેણાક મકાનોનું અંતર, બ્લાસ્ટિંગની અસર, પર્યાવરણ, પાણીના સ્ત્રોત અને જાહેર સુરક્ષાના નિયમોનું યોગ્ય મૂલ્યાંકન થયું હતું કે નહીં તે તપાસવું જરૂરી છે.

સવાલ એ છે કે જો રહેણાક વિસ્તારની નજીક ક્વોરીને મંજૂરી આપવામાં આવી હોય તો કયા નિયમો અને કઈ શરતોના આધારે આપવામાં આવી?

ખોટા દસ્તાવેજો કરીને ક્વોરી ઓ ચલાવી રહ્યા છે એવા એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે પ્રભાવશાળી લોકોની ભૂમિકા અંગે પણ તપાસની માગ

ગ્રામજનો દ્વારા કેટલીક ક્વોરીઓના જમીનના દસ્તાવેજો, લીઝ, માલિકી અને સંચાલન અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં ખોટા દસ્તાવેજોના આધારે કામગીરી થતી હોવાના તેમજ કેટલાક આગેવાનો અને હોદ્દેદારોની સંડોવણી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.

આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ મુદ્દાની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે.

સંયુક્ત આવેદનપત્રમાં મોટાપોંઢા ગામના ઝરા ફળિયામાં આવેલી બ્લેકટ્રેપ ક્વોરી અને કાકડકોપર ગામના ડુંગરી ફળિયા બોર્ડર નજીક આવેલી ક્વોરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં ગિરીશભાઈ કિકુભાઈ પટેલ, હાલના સંચાલન અંગે દર્શનાબેન પટેલ અને દીપકભાઈ બાબુભાઈ પટેલનાં નામનો ઉલ્લેખ કરીને તેમની કાયદેસર ભૂમિકા અને સંબંધિત મંજૂરીઓની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

હવે તંત્રએ દરેક ક્વોરીની માલિકી, લીઝ, સંચાલન, પર્યાવરણ મંજૂરી, બ્લાસ્ટિંગ લાઇસન્સ અને ખનિજ રોયલ્ટીના રેકોર્ડની તપાસ કરવી જોઈએ. જો કોઈ ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર કોઈપણ વ્યક્તિ હોય, તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ

ક્વોરીઓના પ્રશ્નમાં માત્ર મકાનો જ નહીં, પરંતુ ખેડૂતોની જમીન, બોરવેલ, ખેતી અને પાણીના સ્ત્રોતોની સુરક્ષા પણ જોડાયેલી છે. સંયુક્ત આવેદનપત્રમાં દમણગંગા યોજના સહિત અન્ય જળસ્ત્રોતોની સુરક્ષાની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી, નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ, હવા-પાણી અને ધ્વનિ પ્રદૂષણની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ તથા સરકારી પડતર અને ગૌચર જમીનના ઉપયોગની કાયદેસરતા ચકાસવાની પણ માગ કરવામાં આવી છે.

જો ક્વોરીઓના કારણે ગામની કુદરતી સંપત્તિ અને જાહેર મિલકતને નુકસાન થયું હોય તો તેનું પુનઃસ્થાપન કરાવવાની જવાબદારી પણ નક્કી થવી જોઈએ.

મોટા પોંઢામાં યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ કુંજલી પટેલ તાલુકા પંચાયત સદસ્ય સુખાલા દ્વારા ગ્રામજનોને સમર્થન આપ્યું હતું.

તેમણે લોકોને વિશ્વાસ આપ્યો હતો કે નાનાપોંઢા તાલુકા સહિત વલસાડ જિલ્લાના કોઈપણ ગામના લોકોના હિતના પ્રશ્નો હોય તો તેમની સાથે ઊભા રહી રજૂઆત કરવામાં આવશે. ગરીબ અને સામાન્ય નાગરિકોને ન્યાય મળે તે માટે તેમની લડાઈને યોગ્ય મંચ સુધી પહોંચાડવામાં આવશે.

તેમનો સંદેશ સ્પષ્ટ છે કે લોકોના ઘર, પાણી, રસ્તા, ખેતી અને જીવનની સુરક્ષાના પ્રશ્નો સામે કોઈ સમાધાન થઈ શકે નહીં.
હવે આવનાર દિવસમાં તપાસ શરૂ કરવાની માગ, મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચશે રજૂઆત

ગ્રામજનોની માગ છે કે આવેદનપત્ર મળ્યાના ત્રીસ દિવસની અંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસની શરૂઆત કરવામાં આવે અને કાર્યવાહી અંગે લેખિત જવાબ આપવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!