તાપી

વ્યારાના ગ્રામ્ય વિસ્તારો અને શાળાઓમાં ચાઇલ્ડ હેલ્પલાઇન-૧૦૯૮ દ્વારા બાળ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા

માહિતી બ્યુરો, તાપી

તાપી જિલ્લાના બાળકોના હિતોનું રક્ષણ કરવા, ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા તથા બાળ અધિકારો અંગે વ્યાપક જાગૃતિ લાવવાના આશય સાથે ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ ટીમ દ્વારા વ્યારાના આસપાસના ગ્રામ્ય વિસ્તારો, વિવિધ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

આ કાર્યક્રમો દરમિયાન ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ની ટીમ દ્વારા બાળકો, વાલીઓ અને સ્થાનિક સમુદાયના લોકોને બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓ, બાળકોના મૂળભૂત અધિકારો તેમજ મુશ્કેલીના સમયમાં ઉપલબ્ધ સરકારી સહાય સેવાઓ અંગે વિસ્તૃત અને સંવેદનશીલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ એ ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકો માટે ૨૪ કલાક કાર્યરત એક નિઃશુલ્ક (ટોલ ફ્રી) સેવા છે. જે મુશ્કેલીમાં મુકાયેલા, સંરક્ષણ, આશ્રય કે સંભાળની જરૂરિયાત ધરાવતા બાળકોને તાત્કાલિક મદદ, સુરક્ષા, જરૂરી કાઉન્સેલિંગ અને કાયદાકીય સહાય પૂરી પાડે છે.

કાર્યક્રમ દરમિયાન ટીમ દ્વારા બાળકોના રક્ષણ માટેના મહત્વના કાયદાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે પોક્સો એક્ટ હેઠળ બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ આપવા માટેની કડક કાયદાકીય જોગવાઈઓ અંગે વાલીઓ અને સમુદાયને જાગૃત કરાયા હતા.

વધુમાં બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદેસર ગુનો છે અને તેનાથી બાળકના ભવિષ્ય પર થતી નકારાત્મક અસરો સમજાવી તેમજ બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમન કાયદો હેઠળ બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત ન રાખવા અને બાળ મજૂરી નાબૂદ કરવા અપીલ કરાઇ હતી.

બાળ ભિક્ષાવૃત્તિ, ગુમ થયેલા કે નિરાધાર બાળકો માટે ઉપલબ્ધ સરકારી પુનઃસ્થાપન પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું હતુ.

આ ઉપરાંત, આંગણવાડી અને શાળાઓના બાળકોને ખૂબ જ સરળ શૈલીમાં “ગુડ ટચ – બેડ ટચ” વચ્ચેનો તફાવત સમજાવી, અજાણ્યા વ્યક્તિઓથી સાવચેત રહેવા અને કોઈપણ સમસ્યા સમયે તાત્કાલિક પોતાના માતા-પિતા, શિક્ષક કે ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ પર સંપર્ક કરવા જણાવાયું હતું.

વાલીઓને રાજ્ય સરકાર દ્વારા બાળકોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ સરકારી યોજનાઓ જેવી કે પાલક માતા-પિતા યોજના અને સ્પોન્સરશિપ યોજના વિશે પણ માહિતગાર કરી તેનો લાભ લેવા અનુરોધ કરાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!