તાપી

તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બુધવારે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી

માહિતી બ્યુરો, તાપી,યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બુધવારે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી

ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈને તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ અધિકારીઓ સાથે બેઠક યોજી

માહિતી બ્યુરો, તાપી, તા. ૦૭ :- તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ વીડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યસ્તરે પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, મંગળવાર, તા. ૦૭-૦૭-૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક દરમિયાન ડોલવણમાં ૧૫૭ મીમી, વાલોડમાં ૧૩૧ મીમી, વ્યારામાં ૮૦ મીમી, સોનગઢમાં ૩૫ મીમી, ઉચ્છલમાં ૨૭ મીમી અને ઉકાઈમાં ૨૬ મીમી વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ તથા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ સરકારી તથા ખાનગી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બુધવારના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટરશ્રીએ વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સહિત સંબંધિત તમામ વિભાગોને સ્ટેન્ડબાય રહેવા તેમજ પરિસ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપી હતી. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ સહિત જરૂરિયાતમંદ નાગરિકોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમોને સંપૂર્ણ સજ્જ અને સક્રિય રહેવા નિર્દેશો આપ્યા હતા.

કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, મંગળવારની રાત્રિ દરમિયાન જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદની સ્થિતિની સતત સમીક્ષા કરવામાં આવશે અને પરિસ્થિતિ અનુસાર જરૂરી નિર્ણયો લેવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ દરમિયાન નદી-નાળાઓ અને જળાશયોની નજીક જવાનું ટાળવા, બિનજરૂરી મુસાફરી ન કરવા, સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી અફવાઓથી દૂર રહેવા તેમજ માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!