શબરી માતાની સનાતન ભૂમિ વાસુર્ણા ખાતે કન્યાઓ માટેનો પંચ-દિવસીય વ્રત ઉત્સવ હરખોલ્લાસ સાથે સંપન્ન
શિવાજી કવર (આહવા બ્યુરો)

ડાંગ જિલ્લાના વાસુર્ણા:શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલય ખાતે અલુણા અને જયાપાર્વતી વ્રતની વૈદિક પરંપરા મુજબ ઉજવણી કરાઈ જાગરણ, ભજન-સત્સંગ અને જ્વારા વિસર્જન સાથે દીકરીઓએ ભાવપૂર્વક કર્યા વ્રતના પારણાં આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત ‘શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલય, વાસુર્ણા’ ખાતે વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે અલુણા વ્રત તથા જયાપાર્વતી વ્રતની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શબરી માતાની પવિત્ર અને સનાતન ભૂમિ પર આયોજિત આ વ્રત ઉત્સવ દરમિયાન છાત્રાલયની કન્યાઓએ સતત પાંચ દિવસ સુધી સંયમ, નિયમ અને પૂર્ણ નિષ્ઠાપૂર્વક ઉપવાસ-વ્રત કર્યા હતા. આ વ્રત આયોજનનો મુખ્ય હેતુ દીકરીઓમાં બુદ્ધિ, જ્ઞાન, પ્રેમ, તેજસ્વીતા અને શક્તિ જેવા સાત્વિક ગુણોનું સિંચન કરવાનો તથા ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા અને મૂલ્યોનું જતન કરવાનો હતો ભક્તિમય વાતાવરણ વચ્ચે રાત્રિ જાગરણ
વ્રતના અંતિમ દિવસે રાત્રિ દરમિયાન એક વિશેષ જાગરણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી તથા શ્રી ધનસુખભાઈ (જયાલક્ષ્મી તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર) ના ગરિમામય સાનિધ્યમાં ભજન, કીર્તન અને સત્સંગનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આ અલૌકિક અને ભક્તિમય વાતાવરણમાં છાત્રાલયની દીકરીઓ સહિત સમગ્ર ગ્રામજનો ભાવવિભોર બન્યા હતા જ્વારા પૂજન અને વિસર્જન સાથે વ્રતની પૂર્ણાહુતિ
વહેલી સવારે શાસ્ત્રીય પરંપરા મુજબ પુરોહિત શ્રી મુલજીભાઈ દ્વારા વિધિવત રીતે જ્વારા પૂજન તેમજ પંચાયતન પૂજન સંપન્ન કરાવવામાં આવ્યું હતું. પૂજાવિધિ બાદ તમામ કન્યાઓ શ્રદ્ધા અને ભાવપૂર્વક ગામના નદી કિનારે પહોંચી હતી, જ્યાં જ્વારાનું વિસર્જન કરી શાસ્ત્રોક્ત રીત-રિવાજ મુજબ પારણાં કરીને વ્રતની પૂર્ણતા કરી હતી.
આ સમગ્ર આયોજનથી કન્યાઓમાં ભારતીય વૈદિક સંસ્કૃતિ, ધાર્મિક નિષ્ઠા અને ઉચ્ચ સંસ્કારોનું પ્રબળ સિંચન થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.




