વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
રિપોર્ટર શિવાજી કવર

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યા છે.સાંસદશ્રીએ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પૂરગ્રસ્ત અને વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી તેમજ થયેલા નુકસાન અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. દરમિયાન સાંસદ શ્રી પટેલે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અસરગ્રસ્ત ગામોની ખાસ મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોને રૂબરૂ મળીને તેમની સ્થિતિ જાણી હતી, અને જરૂરિયાતમંદ પરિવારજનોને રાહત કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં ગિરા નદીના પૂરના કારણે થયેલા નુકસાન અંગે સાંસદશ્રીએ સ્થળ તપાસ કરી હતી. તેમણે જિલ્લાના ક્ષતિગ્રસ્ત પુલો, પ્રોટેક્શન વોલ (સંરક્ષણ દીવાલો) તેમજ નદી કિનારાના ગામોમાં થયેલા નુકસાનની ગંભીરતાથી સમીક્ષા કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. સાંસદશ્રીએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની પૂરની સ્થિતિ અને થયેલા નુકસાન અંગે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે રૂબરૂ મુલાકાત કરી વિગતવાર અહેવાલ અને માહિતી રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સ્થિતિ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને કેન્દ્ર સરકાર તરફથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ રાહત અને પુનઃવસન માટેની મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. “દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદથી નવસારી, વલસાડ અને ડાંગના અનેક ગામોમાં નુકસાન થયું છે. અમે રૂબરૂ જઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે અને વાંસદા સહિતના વિસ્તારોમાં રાહત કીટ પહોંચાડી છે. ડાંગમાં માર્ગ, પુલો અને પ્રોટેક્શન વોલના નુકસાન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી સાથે ચર્ચા થઈ છે. કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી મળતાં ટૂંક સમયમાં જ તમામ સમારકામ અને સહાયની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.” તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું




