
માંડવી: સુરત ગ્રામ્યના માંડવી ડિવિઝન હેઠળના માંડવી પોલીસ સ્ટેશન ખાતે 15મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવી ટાઉન ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અક્ષેશ એન્જિનિયરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અક્ષેશ એન્જિનિયરની ઉપસ્થિતિમાં ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં PI શ્રી જે.એસ. વળવી, PSI શ્રી ચૌધરી સહિત માંડવી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ, ગાર્ડ, GRD તથા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
બાઇક રેલીમાં તિરંગા સાથે ટ્રાફિક જાગૃતિ, સાયબર જાગૃતિ અને મહિલા જાગૃતિ અંગેના સંદેશાવાળા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રેલીનો પ્રારંભ માંડવી પોલીસ સ્ટેશનથી થયો હતો.
બાઇક રેલી અંબાજી નાકા, તોપનાકા, માંડવી કોર્ટ, સાઈબાબા મંદિર, મામલતદાર કચેરી, સોનીફળિયા, જૈન દેરાસર, વલ્લભવડ, સુપડી ચાર રસ્તા થઈ અંબાજી નાકા, ધોબની નાકા અને ત્યારબાદ ફરી અંબાજી નાકા થઈ માંડવી પોલીસ સ્ટેશન ખાતે પરત ફરી હતી, જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાથે પોલીસ દ્વારા જનજાગૃતિના વિવિધ સંદેશાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



