માંગરોળ ખાતે ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી: આદિજાતિ સમાજના ગૌરવશાળી વારસા અને સંસ્કૃતિના જતનનો સંકલ્પ કરાયો
માહિતી બ્યુરો સુરત અને કિરણ ચૌધરી બ્યુરો (યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ સુરત )

તા.૧૫મીએ મોસાલી ખાતે ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા અનુરોધ
—
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહેલા ‘જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયા’ અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ ખાતે ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
માંગરોળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશની આઝાદી અને આદિજાતિ સમાજના અધિકારો માટે તેમણે કરેલા સંઘર્ષને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજમાં સ્વાભિમાન, એકતા અને જાગૃતિની ભાવના જગાડવા માટે આપેલું યોગદાન આજે પણ સૌના માટે પ્રેરણારૂપ છે. તેમના જીવન અને સંઘર્ષમાંથી નવી પેઢીએ રાષ્ટ્રપ્રેમ, સામાજિક એકતા અને પોતાના વારસા પ્રત્યે ગૌરવની પ્રેરણા લેવી જોઈએ.
આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના આદિજાતિ સમાજના હિતો, અધિકારો અને સ્વાભિમાન માટેના સંઘર્ષનું સ્મરણ કરી તેમના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીનો મુખ્ય આશય ભગવાન બિરસા મુંડા સહિત આદિજાતિ સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંઘર્ષ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. પખવાડિયા દરમિયાન યોજાઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ થકી આદિજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક યોગદાનને ઉજાગર કરવાની સાથે સમાજમાં એકતા, સ્વચ્છતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ અવસરે સ્થાનિક જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.




