ડાંગ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને રૂ. ૧૧.૮૩ લાખથી વધુની કિંમતના મોબાઈલ પરત કરાયા
માહિતી બ્યુરો આહવા & શિવાજી કવર સાથે યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ ડાંગ

આહવા: તા: ૬: ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ તેમજ મળેલી અરજીઓ અને ફરિયાદો સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને, નાગરિકોની ગુમ થયેલી ચીજવસ્તુઓ ત્વરિત પરત મળી રહે તે હેતુથી એક વિશેષ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૬૮ મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. ૧૧.૮૩ લાખથી વધુ થાય છે, તે તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
‘તેરા તુજકો અર્પણ’ અભિયાનની પ્રશંસા કરતાં શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં ડાંગ પોલીસની કામગીરી અત્યંત પ્રશંસનીય છે. પોલીસના સરાહનીય પ્રયાસોને કારણે આજે અનેક લોકોના ચહેરા પર સ્મિત પાછું આવ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલ ફોન શોધવામાં અને બેંક ખાતામાંથી છેતરપિંડીથી ગુમાવેલા પૈસા પરત અપાવવામાં ડાંગ પોલીસ પ્રો-એક્ટિવ રહીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહી છે, જે જિલ્લા માટે ગર્વની બાબત છે. આ સાથે જ સાયબર ક્રાઈમ સ્ટેશને પણ વર્ષો જૂના વણઉકેલાયેલા પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવ્યું છે. વધુમાં શ્રી પટેલે લોકોને અપીલ કરી હતી કે. કોઈ પણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ ફોન કોલથી ગભરાયા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને સાયબર ફ્રોડ અંગે હંમેશા જાગૃત રહેવું.
કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, રૂ. ૧૧.૮૩ લાખની કિંમતના ૬૮ મોબાઈલ ફોનની સાથે સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોના રૂ. ૩.૫૦ લાખથી વધુની રકમ પણ રિકવર કરીને પરત કરવામાં આવી છે. ડાંગ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આધુનિક સોર્સિસનો સમન્વય કરી અત્યાર સુધીમાં કુલ રૂ. ૫૯.૧૫ લાખની કિંમતના ૩૬૦ મોબાઈલ ફોન મૂળ માલિકોને શોધી આપ્યા છે. આ સફળતા સાથે ડાંગ પોલીસ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટ ધરાવે છે.
નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.પી. નલવૈયાએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં દરેક નાગરિક પાસે સાયબર સુરક્ષા અંગેની પ્રાથમિક જાણકારી હોવી અનિવાર્ય છે. સામાન્ય રીતે માનવીય લાલચનો લાભ ઉઠાવીને સાયબર ગુનેગારો છેતરપિંડી આચરતા હોય છે. આથી, ઇન્ટરનેટ કે ફોન કોલ પર મળતી કોઈ પણ પ્રકારની લોભામણી ઓફરોમાં ફસાવું નહીં. તેમણે કોઈ પણ કટોકટી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ સમયે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અપીલ કરી હતી.
સાયબર ફ્રોડનો ભોગ બનેલા સ્થાનિક નાગરિક શ્રી સતિષભાઈ પટેલે પોતાનો અનુભવ શેર કરતા અન્ય લોકોને સજાગ અને સચેત રહેવા વિનંતી કરી હતી, તેમજ પોતાની રકમ પરત અપાવવા બદલ ડાંગ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
પોતાના વર્ષો જૂના અને કિંમતી મોબાઈલ તેમજ નાણાં પરત મળતા ઉપસ્થિત તમામ નાગરિકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. સાથે જ સૌએ પોલીસ તંત્રની આ લોકાભિમુખ કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ :
–
ડાંગ એલ.સી.બી. પોલીસે અત્યાર સુધીમાં રૂ. ૫૯.૧૫ લાખની કિંમતના ૩૬૦ મોબાઈલ ફોન શોધીને પરત કર્યા : મોબાઇલ ડિટક્શન રેટમાં ડાંગ પોલીસ ગુજરાતમાં પ્રથમ :
–
ખોવાયેલી અને ગુમાવેલી વસ્તુઓ પરત મળતા અરજદારોએ ડાંગ પોલીસનો આભાર માની રાજીપો વ્યક્ત કર્યો :
–
અજાણ્યા ફોન કોલ કે લાલચથી સાવધ રહી તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા મહાનુભાવોની અપીલ :




