ડાંગ
ડાંગમાં ભારે વરસાદ વચ્ચે માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરી, બંધ રસ્તાઓ ફરી શરૂ
શિવાજી કવર આહવા

ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા અસરગ્રસ્ત માર્ગો પર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ડાંગ કલેક્ટર શ્રી એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ અને સ્ટાફે રસ્તાઓ પર ધસી આવેલા કાટમાળ, પથ્થરો, કાદવ તેમજ ધરાશાયી થયેલા વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો છે.
આહવા-સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-953 પર આહવાથી 500 મીટરના અંતરે ભેખડ ધસી પડતાં માર્ગ થોડા સમય માટે બંધ થયો હતો, પરંતુ જેસીબી મશીનોની મદદથી તાત્કાલિક કાટમાળ હટાવી વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
વિભાગ દ્વારા 17 જેસીબી, 8 ટ્રેક્ટર અને 150થી વધુ શ્રમિકોની મદદથી સતત કામગીરી કરવામાં આવી રહી છે, જેથી જિલ્લાના મુખ્ય માર્ગો હાલ વાહનવ્યવહાર માટે ખુલ્લા અને કાર્યરત છે.



