આહવા ગ્રામ પંચાયતને મળ્યું નવું નેતૃત્વ : અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં હરિચંદ એ. ભોંયે સરપંચ પદેથી હટ્યા, હરિરામ રતિલાલ સાવંતે સંભાળ્યો પદભાર
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ આહવા

આહવા, તા. ૩૧ : આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ એ. ભોંયે સામે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થતાં તેઓ સરપંચ પદેથી હટ્યા હતા. ત્યારબાદ ઉપ સરપંચ તરીકે ફરજ બજાવતા હરિરામ રતિલાલ સાવંતે આજે વિધિવત્ આહવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પદભાર સંભાળ્યો હતો.
પદભાર ગ્રહણની સાથે જ સરપંચ હરિરામ સાવંતે ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓના કલ્યાણને પ્રાથમિકતા આપતાં ચોમાસાની ઋતુમાં વરસાદ વચ્ચે ફરજ બજાવતા કર્મચારીઓને રેઇનકોટનું વિતરણ કર્યું હતું. સતત વરસાદની સ્થિતિમાં પણ આહવા શહેર અને ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે કાર્યરત સફાઈ કર્મચારીઓ માટે કરવામાં આવેલી આ પહેલને કર્મચારીઓએ આવકારી હતી.આ પ્રસંગે સરપંચ હરિરામ રતિલાલ સાવંતે જણાવ્યું હતું કે, “ગામની સ્વચ્છતા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ ગ્રામ પંચાયતની મહત્વપૂર્ણ કડી છે. વરસાદ હોય કે તડકો, તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે. તેમની સુરક્ષા અને સુવિધાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની છે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે આહવા ગામના સર્વાંગી વિકાસની સાથે ગ્રામ પંચાયતના કર્મચારીઓના હિત અને સુવિધાઓનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. કર્મચારીઓને જરૂરી સાધન-સામગ્રી અને સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવી તેઓ વધુ સારી રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે સતત પ્રયાસ કરવામાં આવશે.સરપંચ હરિરામ સાવંતે જણાવ્યું હતું કે આહવા માત્ર એક ગ્રામ પંચાયત નહીં, પરંતુ સમગ્ર ડાંગ જિલ્લાનું મહત્વનું કેન્દ્ર છે. તેથી રસ્તાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની સુવિધા તેમજ અન્ય જાહેર સુવિધાઓ સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે પ્રાથમિકતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પારદર્શિતાપૂર્વક પહોંચે, વિકાસકામોમાં ગુણવત્તા જળવાઈ રહે તેમજ ગ્રામ પંચાયતના વહીવટમાં જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત થાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે.
“પદ નહીં, જનસેવા પ્રથમ”ના સંકલ્પ સાથે સ્વચ્છ, સુંદર અને વિકસિત આહવાના નિર્માણ માટે કટિબદ્ધતા વ્યક્ત કરતાં સરપંચ હરિરામ રતિલાલ સાવંતે પદભાર ગ્રહણની શરૂઆત જ કર્મચારી કલ્યાણના કાર્યથી કરી જનહિતને સર્વોપરી સ્થાન આપવાનો સંદેશ આપ્યો છે.
આ પ્રસંગે ગ્રામજનો અને શુભેચ્છકોએ નવા સરપંચને અભિનંદન પાઠવી તેમના નેતૃત્વમાં આહવા ગ્રામ પંચાયત વિકાસના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી




