ડાંગ

‘ઓપરેશન મિલાપ’ હેઠળ સાપુતારા પોલીસે 85 વર્ષીય ગુમ થયેલા સિનિયર સિટીઝનને શોધી પરિવાર સાથે કરાવ્યો સુખદ મિલાપ

રિપોર્ટર શિવાજી કવર આહવા & ડાંગ માહિતી બ્યુરો

ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારામાં ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન ગુમ થયેલા 85 વર્ષીય સિનિયર સિટીઝનને સાપુતારા પોલીસે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત સફળતાપૂર્વક શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ, સુરત રેન્જ તથા ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ દ્વારા ગુમ અને મિસિંગ વ્યક્તિઓને શોધી પરિવાર સાથે મિલાપ કરાવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક, આહવા વિભાગ શ્રી કે. આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તા. 09/08/2026ના રોજ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા દેવજીભાઈ શંકરભાઈ લેઉવા, ઉંમર 85 વર્ષ, પરિવાર સાથે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં ફરવા આવ્યા હતા. દેવજીભાઈને ભૂલવાની બીમારી હોવાના કારણે બપોરે આશરે 12:30 વાગ્યે પેરાગ્લાઇડિંગ મેદાનમાંથી તેઓ પોતાની દીકરી શિવરંજનીથી વિખૂટા પડી ગયા હતા.
પરિવાર દ્વારા આ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે. કે. બારીયાના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા સિનિયર સિટીઝનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
CCTV અને હ્યુમન સોર્સની મદદથી મહારાષ્ટ્ર સુધી શોધખોળ
સાપુતારા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમો સાથે હોમગાર્ડ તથા GRDના સભ્યોને પણ શોધખોળમાં જોડવામાં આવ્યા હતા. ગુમ થયેલા વ્યક્તિનો ફોટો તમામ ટીમોને આપવામાં આવ્યો હતો.
પોલીસે CCTV કેમેરા, હ્યુમન સોર્સ અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. સતત શોધખોળ બાદ તા. 10/08/2026ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના કળવણ તાલુકાના ધનવલી ગામ તરફ જતા રસ્તા પરથી દેવજીભાઈ મળી આવ્યા હતા.
ત્યારબાદ પોલીસ ટીમ તેમને સુરક્ષિત રીતે સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી. ત્યાં તેમની દીકરીની હાજરીમાં શી-ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને દેવજીભાઈનો પરિવાર સાથે સુખદ મિલાપ કરાવવામાં આવ્યો હતો.
સિનિયર સિટીઝનને સુરક્ષિત રીતે શોધી પરિવાર સુધી પહોંચાડવાની સાપુતારા પોલીસની કામગીરીની પરિવારજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!