સુરત

પ્રાંત અધિકારીની જાહેર સૂચના છતાં તંત્રના આડા કાન, પાણી ભરાયેલા હાઇવે પર જીવના જોખમે પસાર થતા વાહનચાલકો

સુરત (માંડવી)

પ્રાંત અધિકારીની જાહેર સૂચના છતાં તંત્રના આડા કાન, પાણી ભરાયેલા હાઇવે પર જીવના જોખમે પસાર થતા વાહનચાલકો
સુરત જિલ્લાના અરેઠ તાલુકામાં સતત વરસાદને પગલે માંડવી–કીમ હાઇવે નં. 65 પર નોગામા તેમજ ઉશ્કેર–રામકુંડ વિસ્તાર પાસે માર્ગ પર પાણી ફરી વળતાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાયેલા રસ્તા પરથી દ્વિચક્રી અને ચારચક્રી વાહનચાલકો પોતાના જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આવી જોખમી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા માર્ગ પર કોઈ બેરીકેડ, ચેતવણી બોર્ડ અથવા અવરજવર રોકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે અકસ્માતની સંભાવના વધી ગઈ છે અને લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાંત અધિકારી શ્રી જાદવ દ્વારા તા. 30-07-2026ના રોજ આગામી 24થી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા જાહેર સૂચના આપવામાં આવી હતી. છતાં માર્ગ પર સલામતી માટે જરૂરી પગલાં લેવામાં ન આવતા પ્રશ્નો ઊભા થયા છે.
વધુમાં, ઉશ્કેર–રામકુંડ ગામની સીમમાં આવેલ સ્મશાનઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેની બાજુમાં આવેલ વિશાળ સોલાર પાવર પ્રોજેક્ટ પણ વરસાદી પાણીમાં ડૂબી જતાં નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક અસરથી જોખમી માર્ગો બંધ કરી બેરીકેડ, ચેતવણી બોર્ડ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે, જેથી કોઈ જાનહાનિ ન સર્જાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!