ડાંગ

આહવામાં EMRSના 88 વિદ્યાર્થીઓ માટે પોલીસ દ્વારા ડ્રગ્સ અને ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ કાર્યક્રમ

રિપોર્ટર: શિવાજી કવર આહવા બ્યુરો

ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી EMRS એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલના 88 વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન તથા એસ.ટી. ડેપોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, માર્ગ સલામતી તેમજ વ્યસનમુક્તિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
આહવા એસ.ટી. ડેપો ખાતે પોલીસની સી-ટીમ અને SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓ દ્વારા નવી પેઢીના યુવાઓમાં ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સમક્ષ વ્યસનમુક્તિ અને ડ્રગ્સ વિરોધી સંદેશ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટકના માધ્યમથી નશાની લતથી વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી અસરો સમજાવવામાં આવી હતી.
સાથે જ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન, હેલ્મેટનો ઉપયોગ, માર્ગ પર સાવચેતી અને જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતે પણ નશાથી દૂર રહે અને પોતાના મિત્રો તથા પરિવારજનોમાં પણ *“ડ્રગ્સને ના, જીવનને હા”*નો સંદેશ પહોંચાડે.
વિદ્યાર્થીઓએ પણ પોલીસના આ જાગૃતિ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આવા કાર્યક્રમો થકી યુવા પેઢીમાં ટ્રાફિક નિયમો અને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!