આહવામાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે સ્પેસ ક્વિઝનું આયોજન
માહિતી બ્યુરો અને શિવાજી કવર આહવા બ્યુરો

આહવા: રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા ખાતે પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ડાંગ-આહવા દ્વારા ‘સ્પેસ ક્વિઝ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, રસ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.
કાર્યક્રમમાં ડાંગ જિલ્લા વિજ્ઞાન કોઓર્ડિનેટર શ્રી રતિલાલભાઈ સૂર્યવંશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે સામાજિક કાર્યકર્તા શ્રી કેતુભાઈ પટેલ તથા બિરસા મુંડા સરકારી હાઈસ્કૂલ, આહવાના આચાર્ય શ્રી પ્રજેશભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, ભારતની અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્પેસ ક્વિઝ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના વિવિધ શાળાઓમાંથી 60થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિદ્યાર્થીઓને અવકાશ, ગ્રહો, ઉપગ્રહો, રોકેટ તેમજ ભારતના અવકાશ સંશોધન સહિતના વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જવાબ આપી પોતાની વૈજ્ઞાનિક જ્ઞાનક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા તેમજ ‘વિકસિત ભારત 2047’ના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા પ્રેરણા આપી હતી.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર તેમજ સાયન્સ સિટી, અમદાવાદની વિનામૂલ્યે મુલાકાત માટે પાસ આપવામાં આવશે. આથી વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે યોજાયેલી આ સ્પેસ ક્વિઝથી ડાંગના વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે નવી જિજ્ઞાસા અને ઉત્સાહનો સંચાર થયો હતો.



