ડાંગ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ અને અભિમુખતા કાર્યક્રમ યોજાયો

ડાંગ માહિતી બ્યુરો: આહવા: & શિવાજી કવર

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના આવકારાર્થે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમાર અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ તથા અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારે જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ જવાબદાર, સંસ્કારી અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનારા નાગરિકોના ઘડતરનું શક્તિશાળી માધ્યમ છે. તેમણે વિદ્યાર્થીઓને શિસ્ત, સમયનું પાલન, મહેનત, પ્રમાણિકતા, વ્યસનમુક્ત જીવન, સામાજિક જવાબદારી તેમજ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બની રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા. સાથે જ તેમણે પોતાની શિક્ષણયાત્રા અને અધ્યયન-અધ્યાપનના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી તેમને જીવનમાં સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા.

કોલેજના આચાર્યશ્રી ડૉ. યુ. કે. ગાંગુર્ડેએ વિદ્યાર્થીઓનું કોલેજ પરિવાર તરફથી સ્વાગત કરતાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ, સમયનું આયોજન, નિયમિત અભ્યાસ, શિસ્ત, મૂલ્યલક્ષી શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને કોલેજની શૈક્ષણિક, સહશૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાવા અનુરોધ કર્યો.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ, આહવાના આચાર્યશ્રી ડૉ. એ. જી. ધારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવી શિક્ષણ નીતિ (NEP-2020), ઉચ્ચ શિક્ષણની વિવિધ તકો, કારકિર્દી આયોજન, કૌશલ્ય વિકાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને જીવનમાં જ્ઞાનના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે F.Y.B.A. તથા F.Y.B.Com.ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી પુષ્પ તેમજ નોટબૂક-પેનની કીટ અર્પણ કરી ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે NSSના સ્વયંસેવકો અને NCC કેડેટ્સના સહયોગથી મહેમાનશ્રીઓના હસ્તે કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષ સંવર્ધન, હરિત પરિસર નિર્માણ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!