તાપી

સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન જીવવા નિયમિત યોગ જરૂરી – યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

માહિતી બ્યુરો, તાપી & યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ તાપી

માહિતી બ્યુરો, તાપી તા.૨૧ :- રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે “સ્વસ્થ જીવન માટે યોગ” ની થીમ હેઠળ ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.

આ તકે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિણામલક્ષી પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વએ યોગના મહત્વને સ્વીકારીને તેને સહર્ષ અપનાવ્યો છે. ભારતે દુનિયાને આપેલું આ અમૂલ્ય નજરાણું આજે કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. આજે સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન જીવવા નિયમિત યોગ જરૂરી છે.વધુમાં મંત્રીશ્રીએ બહુમૂલ્ય યોગ વિરાસત પર ગૌરવ કરી યોગને સૌએ રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ યોગપ્રેમી બાળકો, મહિલાઓ, યુવાનો, નાગરિકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, કોલકાતા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક ઉદબોધન સાંભળી પ્રેરિત થયા હતા.

તાપી જિલ્લામાં આયોજિત જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમમાં અનુભવી યોગ શિક્ષકો તેમજ ટ્રેનર્સ દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકોને નિયત પ્રોટોકોલ અનુસાર શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ નિષ્ણાતોએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ પ્રાયોગિક રીતે કરાવીને તેનાથી શરીર અને મન પર થતા સકારાત્મક ફાયદાઓની સચોટ માહિતી આપી હતી. તેમની સરળ સમજૂતી અને માર્ગદર્શન હેઠળ બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈએ ઉત્સાહપૂર્વક દરેક આસનો કર્યા હતા.

તાપી જિલ્લા કક્ષાના આ મુખ્ય કાર્યક્રમમાં યોગ પ્રત્યેનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અવસરે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન.દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ, વ્યારા એસીએફશ્રી અર્પિત પુનિયા તથા પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યોગસાધકો અને યોગશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે કર્યુ હતુ.

આ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં નાની ઉંમરના બાળકો, વડીલો, સ્થાનિક રમતવીરો, ઉત્સાહી યુવાનો અને મહિલાઓ શિસ્તબદ્ધ રીતે આ યોગ યજ્ઞમાં જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ યોગમય અને સકારાત્મક ઊર્જાથી ભરાઈ ગયું હતું.વ્યારા ખાતે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ

તાપી જિલ્લો બન્યો યોગમય: વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયનું પટાંગણ સકારાત્મક ઊર્જાથી ગુંજી ઊઠ્યું

યોગ શિક્ષકો તેમજ ટ્રેનર્સે સૌ યોગપ્રેમીઓને શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવ્યો 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!